સુરતમાં વધુ એક હત્યાની ઘટના ગોડાદરા વિસ્તારમાં સામે આવી છે. રાત્રે સૂતેલી પત્નીનું પતિ દ્વારા ચપ્પુથી ગળું કાપી હત્યા કરવામાં આવી હતી. રૂમમાં બે દીકરીની નજર સામે જ પત્નીની હત્યા કરવામાં આવી હતી. દીકરી એ માતાનું ગળું કપાયેલું જોઈને બુમાબૂમ કરી હતી. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે મહિલાને મૃત જાહેર કરાઈ હતી.
મળતી માહિતી પ્રમાણે, મૂળ અમરેલી જિલ્લાના અને ગોડાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા દેવદગામની સન્ડે લગુન હાઈટ્સમાં 35 વર્ષીય નમ્રતા જયસુખભાઈ વાણીયા પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં સાસુ, સસરા, દેરાણી, પતિ, એક ત્રણ વર્ષની અને એક આઠ વર્ષની એમ બે દીકરી છે. જયસુખભાઈ ક્યારેક-ક્યારેક જ છૂટક મજૂરીએ જતા હતા. મોટાભાગે તેઓ કામ પર ન જવાના કારણે ઝઘડાઓ થતા હતા. જ્યારે નમ્રતાબેન સાડી અને ચણીયા ચોલી સહિતની કામગીરી કરીને આર્થિક રીતે મદદરૂપ થતા હતા.
સુરતમાં 48 કલાકમાં હચમચાવતી બીજી હત્યા : રાત્રે સંયુક્ત પરિવારમાં જમ્યા બાદ તમામ પરિવારના સભ્યો પોતપોતાના રૂમમાં સૂવા માટે ગયા હતા. રાત્રિ દરમિયાન નમ્રતાબેન અને જયસુખભાઈનો કોઈ બાબતે ઝઘડો થયો હતો. દરમિયાન રાત્રે એક વાગ્યા આસપાસ જયસુખભાઈએ ચપ્પુ વડે નમ્રતાબેનનું ગળું કાપી નાખ્યું હતું, જેના પગલે રૂમ લોહીલુહાણ થઈ ગયો હતો. બંને દીકરીઓની સામે જ પિતાએ માતાની હત્યા કરી હતી. મોટી દીકરી ઊંઘમાંથી જાગી જતા માતાને લોહીલુહાણ જોતા બુમાબુમ કરી હતી.
દીકરીએ દાદાને ઉઠાડ્યા બાદ નમ્રતાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ત્યાંથી સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ નમ્રતાબેનને મૃત જાહેર કર્યા હતા. આ અંગે તાત્કાલિક ઘોડાદ્રા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ ગોડાદરા પોલીસે ઘટના સ્થળે દોડી ગઈ હતી. હાલતો નમ્રતાબેનના મૃતદેહને હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. આ સાથે જ નમ્રતાબેનના પિયરના સભ્યોને પણ જાણ કરવામાં આવી છે અને તે સુરત આવી રહ્યા છે.
નમ્રતાબેનના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, જયસુખભાઈ છૂટક મજૂરી કામ કરતા હતા, પણ મોટાભાગે કામ પર ન જતા હતા. ઘરેથી કાઢી મૂકવામાં આવે ત્યારે કામ પર જતા હતા અને દારૂ પીવાની ટેવ પણ ધરાવતા હતા. કામ પર ન જવાના કારણે પરિવારમાં અવારનવાર ઝઘડાઓ થતા હતા. નમ્રતાબેન ને સાસરિયાંઓ દ્વારા પણ ત્રાસ આપવામાં આવતો હતો. એકવાર નમ્રતાબેન પિયર પણ આવી ગયા હતા અને ત્યારબાદ સમાધાન બાદ પરત ગયા હતા. પતિ કમાતો ન હોવાથી નમ્રતાબેન કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદ કરતા હતા.
નમ્રતા બેનને ગઈકાલે (28 ડિસેમ્બર) સાંજે જયસુખભાઈ બાજુમાં કામ કરતા હતા, ત્યાંથી લેવા ગયા હતા. ત્યારબાદ બધા સાથે જમ્યા હતા અને સૂવા ગયા બાદ બંને વચ્ચે શું ઝઘડો થયો તે અંગે કોઈ જાણ નથી. જોકે, જયસુખભાઈ દારૂના નશામાં આ હત્યા કરી હોય તેવી આશંકા સેવવામાં આવી રહી છે. હાલ તો ગોડાદરા પોલીસ દ્વારા ગુનો નોંધી પતિની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.