
સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં એક ચકચારી ઘટના સામે આવી છે. એક ગામની સોસાયટીમાં રહેતા શ્રમજીવી પરિવારની 4 વર્ષની બાળકી ઘરઆંગણે રમી રહી હતી, ત્યારે 45 વર્ષના શખ્સે બાળકી સાથે વહાલનું નાટક કરી તેને ઉઠાવી લીધી હતી. આરોપી બાળકીને અડધો કિલોમીટર દૂર આવેલા પોતાના રૂમમાં લઈ ગયો હતો, જ્યાં તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. લગભગ એક કલાક બાદ બાળકી રડતી રડતી ઘરે પહોંચી હતી. પરિવારે જોયું કે બાળકીના ગુપ્તાંગમાંથી લોહી નીકળી રહ્યું હતું, જેથી તાત્કાલિક કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવીના આધારે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો.
મળતી માહિતી મુજબ, સુરત જિલ્લામાં વધુ એકવાર બાળકી પીંખાઇ છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એક ગામની એક સોસાયટીમાં રહેતા શ્રમજીવી પરિવારની બાળકી ઘરઆંગણે રમી રહી હતી. તે દરમિયાન એક હવસનો વરુ આવ્યો અને બાળકી પર નજર બગાડી હતી. જે બાદ તેણે વહાલનું નાટક કરી બાળકીને ઊંચકી લીધી હતી અને અડધો કિ.મી દૂર પોતાની રૂમમાં લઈ ગયો હતો. જ્યાં તેણે પોતાની કાળાં કરતૂત કરી માસૂમ બાળકીને પીંખી નાખી હતી. જે બાદ તે ત્યાંથી ભાગી ગયો હતો.
એક કલાક બાદ બાળકી રડતી રડતી ઘરે આવતા પરિવારે તપાસ કરતાં બાળકીના ગુપ્તાંગના ભાગેથી લોહી નીકળતું હતું. પોતાની બાળકીની સ્થિતિ જોઈને પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આ ઘટનાને લઇને પરિવારજન તરત કડોદરા જીઆઈડીસી પોલીસમથક ખાતે દોડી ગયા હતા. ઘટનાને ગંભીરતાથી લઇને કડોદરા જીઆઈડીસી પોલીસ સાથે-સાથે સુરત જિલ્લા એલસીબીની ટીમ પણ તપાસના જોડાઈ હતી. પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી સીસીટીવીના આધારે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી તેની કડક પૂછપરછ હાથ ધરી છે.
વાલીઓ પોતાનાં બાળકોને ઘરની બહાર રમતાં મૂકવામાં ડરી રહ્યા છે ધોળા દિવસે બજારમાં ફરી રહેલા હવસના વરુને લઇને હવે વાલીઓ પણ ભયમાં મુકાયા છે. હાલ તો સ્થાનિકો પોતાના ઘરની બહાર પોતાનાં બાળકોને રમતાં મૂકવામાં પણ ડરી રહ્યા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કર્યો છે. સ્થાનિક રહીશો પોતાનાં બાળકોને ઘરની બહાર રમવા મોકલતા ડરી રહ્યા છે. સ્થાનિકોએ આરોપી સામે કડક કાર્યવાહીની માગ કરી છે.

ભરૂચમાં 16 ડિસેમ્બરે પણ 10 વર્ષની માસૂમ પર દુષ્કર્મ બાદ મોત 16 ડિસેમ્બર, 2024ના ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મે દિલ્હીના નિર્ભયાકાંડની યાદ અપાવી હતી. આ બાળકીનું સોમવારે વડોદરાની સયાજી હોસ્પિટલમાં 180 કલાક બાદ મોત થયું હતું. પીડિતાને 23 ડિસેમ્બરના રોજ બે કાર્ડિયાક અરેસ્ટ આવ્યા હતા. બાળકી સાથે ખૂબ બર્બરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં ICUમાં દાખલ હતી, જેને સોમવારે બપોરે 2 વાગ્યે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો.
માસૂમ 8 દિવસ મોત સામે લડી ત્યાર બાદ સાંજે 5.15 વાગ્યે ફરીથી કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. પરિણામે, બાળકીએ 6.15 વાગે દમ તોડી દીધો. આમ, ગુજરાતની નિર્ભયા 8 દિવસ, 180 કલાક, 10,800 મિનિટ અને 6 લાખ 48 હજાર સેકન્ડ સુધી સતત મરતી રહી હતી. રાત્રિના બે વાગ્યાની આસપાસ બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થતાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે માસૂમના પાર્થિવદેહને ઝારખંડ રવાના કરવામાં આવ્યો હતો.
નાની બાળકીઓને સ્કૂલે મોકલતાં માતા-પિતાએ ચેતવા જેવા કિસ્સામાં સુરતમાં સામે આવ્યો છે, જેમાં ખટોદરા વિસ્તારમાં રહેતી ચાર વર્ષની બાળકીને રોજ સ્કૂલે મૂકવા-લેવા જતો રિક્ષાચાલક તેની સાથે રોજ અડપલાં કરતો હતો. ગતરોજ તો તેણે બાળકીને ઝાડીઝાંખરાંમાં લઈ જઈ દુષ્કર્મ પણ ગુજાર્યું હતું. બાળકીના પિતાએ આ અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણ સંતાનના પિતા એવા નરાધમ રિક્ષાચાલક મુત્તલીબ શેખની ધરપકડ કરી છે. બાળકીએ ઘરે આવીને જ્યારે પોતાનાં માતા-પિતાને કહ્યું કે ‘ચાચા બહોત ગંદે હૈ, મેરે સાથે ગંદા કામ કરતા હૈ’ ત્યારે માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ મામલે ખટોદરા પોલીસે દુષ્કર્મ અને પોક્સોની કલમો અંતર્ગત ગુનો નોંધી આરોપી મુત્તલીબ શેખની ધરપકડ કરી હતી. સુરતમાં સ્કૂલ રિક્ષાચાલકનું 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ