
સુરતના કાપોદ્રા વિસ્તારમાં યુવતીઓની છેડતી કરી રહેલા એક યુવકને ઝડપી પાડી ત્રણ યુવતીએ જાહેરમાં જ મેથીપાક ચખાડ્યો હતો. યુવક છેલ્લા ત્રણ દિવસથી યુવતીઓનો પીછો કરી છેડતી કરતો હોવાથી તેઓ રણચંડી બની હતી અને યુવકને મેથીપાક ચખાડ્યો હતો. બાદમાં યુવકને પોલીસને હવાલે કરી દીધો હતો. સુરતના કાપોદ્રા વિસ્તારનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતના કાપોદ્રા વિસ્તારમાં યુવતીઓ રોજ જ્વેલરીની ઓફિસમાં પોતાનાં કામ માટે જતા સમયે ત્યાંથી પસાર થતી હતી ત્યારે ત્રણ દિવસથી એક રોમિયો યુવતીઓની છેડતી કરતો હોવાની ઘટના બની હતી. યુવતીઓએ આજે રોમિયોગીરી કરી રહેલા યુવકને ઝડપી લીધો હતો. બાદમાં તેની પૂછપરછ કરી હતી. જોકે યુવકે પોતાનો બચાવ કરતાં કહ્યું કે હું તમને ઓળખતો નથી. બાદમાં યુવતીઓએ માર મારવાનું શરૂ કરતાં લોકો એકઠા થઈ ગયા હતાં. યુવતીની છેડતી કરી હોવાની જાણ લોકોને થતાં તેમણે પણ મેથીપાક ચખાડ્યો હતો. છેડતી કરનાર યુવકને ત્યાર બાદ નજીકમાં જ આવેલા કાપોદ્રા પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. એ દરમિયાન પણ યુવતીઓ દ્વારા મેથીપાક ચખાડવામાં આવ્યો હતો.
અહીં કહી શકાય એમ નથી આ અંગે એક યુવતીએ જણાવ્યું હતું કે અમે શનિવારે ઓફિસ આવતાં હતાં ત્યારે આ નરાધમ ખૂબ જ અભદ્ર ભાષામાં વાત કરતો હતો અને બીભત્સ હરકતો કરતો હતો. આ નરાધમ બાઈક લઈને બેથી ત્રણ વખત અમે જ્યાં ઊભાં હતાં ત્યાં યુ ટર્ન લઈને આવ્યો હતો અને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. એ દિવસે અમે તેને પકડવા માટે ગયાં તો તે મેઇન રોડ પર ભાગી ગયો હતો.
તેણે વધુમાં જણાવ્યું હતું કે અમે ત્રણેય યુવતીએ આ યુવકનો ચહેરો યાદ રાખ્યો હતો અને નક્કી કર્યું હતું કે જો આ ફરીવાર દેખાય તો તેને પકડી પાડવો છે. આજે સવારે અમે ઓફિસ આવતાં હતાં ત્યારે ફરી વખત આ ઈસમ દેખાયો હતો, જેથી અમે તેને પૂછ્યું હતું કે એ દિવસે તેં કઈ ભાષાનો પ્રયોગ કર્યો હતો અને શા માટે અમને એવું કહ્યું હતું, ત્યારે હું એ વ્યક્તિ નથી અને મેં તમને ક્યારેય જોયા નથી એવી રીતે તેણે ન ઓળખવાનો ઢોંગ કર્યો હતો, જેથી અમે અમારી ફેમિલીના સદસ્યોને બોલાવ્યા હતા અને વાતચીત કરી હતી, પરંતુ તે વ્યક્તિ માનવા તૈયાર ન હતી કે મેં આ ભૂલ કરી છે, જેથી અમે તેને માર મારી અહીં કાપોદ્રા પોલીસ સ્ટેશન લાવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ઘણી વખત જાહેરમાં યુવતીઓની છેડતીની ઘટનાઓ બનતી હોય છે, પરંતુ મોટે ભાગે આ મામલાઓ દબાવી દેવામાં આવતો હોય છે. આ યુવતીઓએ હિંમત કરીને જાહેર રોડ પર જ તેની છેડતી કરનાર યુવકને સબક શિખવાડ્યો હતો અને પોલીસ મથકે પહોંચાડ્યો હતો. હાલ કાપોદ્રા પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.