સુરતી દંપતી ટ્રોલી બેગના રેક્ઝીન-રબરની શીટ વચ્ચે લેયર બનાવી ગોલ્ડ પાઉડર લાવતું, ઓર્ડર આપનાર વડોદરાના ફૈઝલને ટ્રેનમાંથી દબોચ્યો

સુરતમાં દુબઈથી થતા ગોલ્ડ સ્મગ્લિંગનો જુલાઈ 2024માં પર્દાફાશ થયો હતો. સુરતી દંપતીને દુબઈ પ્રવાસના નામે મોકલી તેમની પાસેથી ટ્રોલી બેગના રેક્ઝીન અને રબરની શીટ વચ્ચે ગોલ્ડ પાઉડરનું લેયર બનાવી ગુજરાત લાવી સ્થાનિક માર્કેટમાં વેચવાના નેટવર્કનો પર્દાફાશ થયો હતો. આ સ્મગ્લિંગ કેસમાં 64.89 લાખના સોનાના દાણચોરીમાં સોનાનો ઓર્ડર વડોદરાના ફૈઝલ અબ્દુલ સતાર મેમણે આપ્યો હતો. ફૈઝલ છેલ્લા ત્રણ મહિનાથી નાસતો ફરતો હતો. જેને બાતમીના આધારે ટ્રેનમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

929 ગ્રામ રાખ મિશ્રિત ગોલ્ડ મળ્યું હતું

ગોલ્ડની કેમિકલ મિશ્રિત પેસ્ટ ટ્રાવેલિંગ બેગમાં અલાયદા બનાવેલા લેયરની આડમાં દુબઈથી સુરત ફ્લાઈટમાં આવનારા માંગરોળના મોસાલીના સાલેહ દંપતી સહિત જહાંગીરપુરા પાસે ગોલ્ડ પેસ્ટ સાથેની ચાર બેગ લેવા આવેલા મૌલવી સહિત 4 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમની પાસેથી રૂ.64.84 લાખનું 929 ગ્રામ રાખ મિશ્રિત ગોલ્ડ, મોબાઈલ, કાર વગેરે મળીને કુલ રૂ. 76.14 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.

અબ્દુલ સમદ બેમાત નામનો યુવક દુબઈમાં પોતાના લોકોને મોકલીને ટ્રાવેલિંગ બેગમાં સોનું સંતાડી ભારતમાં ઘુસાડી રહ્યો હતો. અબ્દુલે માંગરોળના દંપતીને દુબઈ મોકલી બેગની આડમાં સોનું મંગાવ્યું હોવાની અને તેઓ 8 જુલાઈ મોડીરાત્રે દુબઇથી સુરત ફ્લાઈટમાં આવવાના હોવાની ઉપરાંત જહાંગીરપુરા પાસે શિવમ હોટલ પાસે બેગની ડિલિવરી કરવાના હોવાની બાતમી મળી હતી.

SOGએ હોટલ પાસે વોચ ગોઠવીને અર્ટિગા કારમાં બે લોકો અને મારુતિ ટૂર્સ ટેક્સી ગાડીમાંથી ઊતરેલા દંપતીને રંગેહાથે ઝડપી પાડ્યું હતું. પોલીસે દુબઈથી સોનું લઈને આવેલા કેરિયર નઇમ મો.હનીફ સાલેહ અને તેની પત્ની ઉમૈમાને અર્ટિગા કારમાં સોનું છુપાવેલી 4 ટ્રાવેલિંગ બેગ લેવા આવનાર અબ્દુલ ફારુક બેમાત અને તેના સાથી ફિરોજ ઇબ્રાહીમ નૂરની ધરપકડ કરી હતી. SOGની ટીમે તેઓ પાસેથી ચારેય ટ્રાવેલ બેગ કબજે લઈ તપાસ કરી હતી.

બેગમાં રેક્ઝીન તથા નીચેના પ્લાસ્ટિકના વચ્ચેના ભાગેથી રબ્બર જેવું લેયર મળી આવ્યું હતું. ગોલ્ડની પેસ્ટ બનાવી કેમિકલ મિશ્રિત આ ગોલ્ડને લિક્વિડ ફોમમા રેક્ઝીન તથા રબરની શીટ વચ્ચે સ્પ્રે કરી નવું લેયર (પડ) બનાવાયું હતું. ચારેય બેગમાં આ રીતે સંતાડેલું સોનું મળી આવ્યું હતું. પોલીસે સોની પાસે ચકાસણી કરાવતા 927 ગ્રામ વજનનો સોનાનો પાઉડર કિંમત રૂ.64.89 લાખ, અર્ટિગા કાર, 5 મોબાઇલ વગેરે મળી કુલ રૂ 76.14 લાખનો મુદ્દામાલ કબજે લઈ જહાંગીરપુરા પોલીસમાં આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ સ્મગ્લિંગ માટે કેરિયરને 10 હજારથી લઈને 25000 રૂપિયા આપવામાં આવતા હતા. સુરત SOG દ્વારા ઝડપી પાડવામાં આવેલા 64.89 લાખની સોનાની દાણચોરીમાં સોનાનો ઓર્ડર વડોદરાના ફૈઝલ અબ્દુલ સતાર મેમણે આપ્યો હતો. સાલેહ દંપતીને દુબઈ સોનું લાવવા માટે મોકલાયું હતું. ફૈઝલ અબ્દુલ સતાર મેમણ દ્વારા અન્ય અબ્દુલ સતાર નામના શખસને વોટ્સએપ પર ઓર્ડર કર્યો હતો. સાલેહ દંપતીને ટ્રિપ દીઠ 10,000 નક્કી થયા હતા.

દંપતીએ દુબઈની આ બીજી ટ્રિપ મારી હતી. અસલી જેવા કલર કોપીવાળા નકલી પરચેઝ બિલો બનાવ્યાં હતાં. પોલીસ પૂછપરછમાં અબ્દુલે 7 માસમાં 20 લોકોને ગેરકાયદે દુબઈ મોકલ્યા હતા. 20 લોકોએ સોનાની દાણચોરી કરી સોનું ગુજરાતમાં ઘુસાડ્યું હતું. વોન્ટેડ સાઉથ આફ્રિકાનો સોકત અને દુબઈનો શહેબાઝ માસ્ટર માઇન્ડ હતા. જ્યારે સોનાનો ઓર્ડર વડોદરાના ફૈઝલ અબ્દુલ સતાર મેમણે આપ્યો હતો. તે છેલ્લા ત્રણ મહિનાથી ફરાર હતો. જેને આજે બાતમીના આધારે SOGએ દોડતી ટ્રેનમાંથી ઝડપી પાડ્યો હતો.

સુરત SOG પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપી ફૈઝલ અબ્દુલ સતાર મેમણ (ઉં.વ. 55 રહે- સી/45, કારભારી પાર્ક સોસાયટી, વાસણા રોડ, વડોદરા)નું BNSS કલમ 72 મુજબનું વોરંટ મેળવી તપાસ હાથ ધરવામાં આવી હતી. જે આધારે ગઈકાલે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ એનાલિસિસ અને મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. મુંબઈ-બાંદ્રાથી વડોદરા તરફ જતી અજમેર એક્સપ્રેસ ટ્રેનમાંથી આરોપી ફૈઝલને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે છે.