સુરત થી અમદાવાદ રિક્ષામાં થઈ રહી હતી ગાંજાની હેરાફેરી, ત્રણ આરોપી જેલ હવાલે

અમદાવાદ, અમદાવાદ શહેરમાં રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતા ત્રણ લોકોની પોલીસે ધરપકડ કરી છે. શહેરના નારોલ તરફથી આવતી રીક્ષામાં ગાંજો હોવાની માહિતીના આધારે વેજલપુર પોલીસની ટીમ રીક્ષામાં ગાંજો લઈ આવનાર ત્રણ લોકોની ધરપકડ કરી ૩ લાખથી વધુની કિંમતનો ૩૦ કિલો થી વધુનો ગાંજો પકડી પાડ્યો છે.

પોલીસે ઓટોરિક્ષા સાથે મન્સૂરી ફૈઝલ ગુલાબભાઈ, ઈરફાન શેખ અને સૈયદ જુનેદ યુસુફભાઈ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

આરોપીઓની પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે અગાઉ થોડા દિવસ પહેલા ત્રણેય આરોપીઓ સુરત થી અમદાવાદ ગાંજાનો જથ્થો લઈ આવ્યા હતા. જ્યારે ગઇકાલે બીજી વખત ગાંજો લઇને આવતા હતા ત્યારે પોલીસે પકડી પાડયા હતા.

અમદાવાદના એક વ્યક્તિએ તેની ઓટોરીક્ષા આરોપીઓને આપી હતી જેના દ્વારા આ ત્રણેય આરોપીઓને સુરત ખાતે ગાંજો લેવા મોકલ્યા હતા. જોકે રસ્તામાં કોઈને શંકા જાય નહીં તે માટે એક આરોપી રીક્ષા ચલાવતો હતો જ્યારે અન્ય બે આરોપીઓ પાછળ પેસેન્જરના ગ્રુપમાં બેસતા હતા.

હાલ તો વેજલપુર પોલીસે ગાંજાના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, ત્યારે આરોપીઓ અગાઉ પણ એક વખત આ જ પ્રમાણે સુરતથી ગાંજો લઈ આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ હવે વધુ તપાસ કરી રહી છે કે ખરેખર આરોપીઓ દ્વારા અન્ય કોઈ જગ્યાએથી ગાંજો લઈ આવવામાં આવ્યો છે કે કેમ, અને અમદાવાદથી ગાંજો મંગાવનાર તેમજ સુરતથી ગાંજો આપનાર સહિતની પોલીસે તપાસ હાથ ધરી છે.