
સુરતમાં શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં થોડા દિવસ પહેલા લાગેલી આગના કારણે સેંકડો વેપારીઓ રસ્તા પર આવી ગયા છે. વેપારીઓનો લાખોનો માલ આગમાં બળીને ખાખ થઈ ગયો છે. વેપારીઓની મદદ માટે અન્ય વેપારીઓ પણ આગળ આવી રહ્યા છે. એવામાં સુરતમાં ફાગોત્સવના નામે અન્ય ટેક્સટાઈલ માર્કેટમાં વેપારીઓ સાથે યુવતીઓ અશ્લીલ ઈશારા કરી ડાન્સ કરતી હોવાના વીડિયો વાઈરલ થયા છે. ટેક્સટાઈલ માર્કેટના આ વીડિયોને અન્ય કલાકારાએ પણ વખોડી કાઢ્યા છે.
સુરતમાં લાખોની સંખ્યામાં રાજસ્થાનીઓ વસવાટ કરે છે જેઓ સુરત શહેરને પોતાની કર્મભૂમિ બનાવી ચૂક્યા છે. ત્યારે સ્વાભાવિક રીતે જ તેમની સંસ્કૃતિ સુરતમાં પણ દેખાઈ આવે છે. ટેક્સટાઇલ માર્કેટમાં દર વર્ષે હોળી આવવાના ચાર પાંચ દિવસ પહેલાથી જ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ખાસ કરીને રાજસ્થાનથી આવતા કલાકારો સુરતની હોળીને અલગ જ રંગ આપી દેતા હોય છે. પરંતુ આ વખતે જે પ્રકારે નાચગાન થઈ રહ્યું છે. તેને કારણે સોશિયલ મીડિયામાં પણ વીડિયો વાયરલ થઈ રહ્યા છે. યુવતીઓ અશ્લીલ ઈશારાઓ કરીને નૃત્ય કરીને છે જેના પરથી સ્પષ્ટ થાય છે કે જાણે તમામ પ્રકારની માન મર્યાદા તેમણે મૂકી દીધી છે અને વેપારીઓ પણ તેમની સાથે સ્ટેજ ઉપર નાચતા દેખાઈ રહ્યા છે. આ પ્રકારના ડાન્સ પ્રવાસી રાજસ્થાનીઓની સંસ્કૃતિ માટે પણ સારું નથી

લવલી નામથી જાણીતી ડાન્સરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, હું વર્ષોથી સુરત શહેરની અંદર હોળી-ધૂળેટીના તહેવારમાં સુરત શહેરમાં અલગ અલગ કાર્યક્રમ કરવા માટે ઘણા વર્ષોથી આવું છું. આ પ્રકારના ડાન્સથી છબી ખરડાઈ છે. જાહેર મંચ ઉપર આ પ્રકારના અશ્લીલ ડાન્સ યોગ્ય લાગતા નથી મર્યાદામાં રહીને જ આપણે તહેવારની ઉજવણી કરવી જોઈએ. આજે વીડિયો વાયરલ થયા છે તે કોના છે હું ઓળખતી નથી. પરંતુ સુરતની માર્કેટમાં આવા પ્રકારના તહેવારોમાં અમે ઉજવણી કરતા હોઈએ છીએ અને મર્યાદામાં રહીને જ કાર્યક્રમ આપીએ છીએ.