સુરત, સુરતમાં ફરી એક વખત આવકવેરા વિભાગ દ્વારા કાપડ ઉદ્યોગમાં મોટું નામ ધરાવતા ગ્રુપ પર દરોડા પાડતા અન્ય લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે તપાસનાં અંતે મોટા બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા છે.
મળતી માહિતી અનુસાર સુરતમાં ટેક્સટાઈલનાં મોટા ગ્રુપ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સુતરનાં ઐશ્વર્યા ગ્રુપ ઉપર આઈટીનાં દરોડા પડ્યા હતા. કાપડ ઉદ્યોગમાં ખૂબ મોટું નામ ધરાવે છે. ઐશ્વર્યા ગ્રુપનાં માલિક રમેશ ડુમસિયા છે. સુરતમાં એક સાથે બાર જગ્યા પર દરોડા તેમજ સર્વેક્ષણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પલસાણા રોડ પર આવેલી ઐશ્વર્યા ડાઈંગ મીલમાં અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. ઐશ્વર્યા ગ્રુપની ઓફીસો, માલિકનાં ઘરે, માર્કેટમાં આવેલી દુકાનોમાં પણ આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઐશ્વર્યા ગ્રુપનાં માલિકનાં પાર્ટનરને ત્યાં પણ તપાસ હાથ ધરી છે. ઐશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલા કોલનાં ધંધાર્થીને ત્યાં પણ તવાઈ બોલાવવામાં આવી છે. તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે.