સુરત: પુત્રની છઠ્ઠીના પ્રસંગમાં નાચતાં નાચતાં પિતાનુ અચાનક મોત, પરિવારમાં શોકનો માહોલ

સુરત,રાજ્યમાં ફરીથી હાર્ટ એટેકે યુવાનનો જીવ લીધો હોવાની ઘટના સામે આવી છે. ક્સોડ ગામમાં પુત્રની છઠ્ઠીના પ્રસંગમાં નાચતાં નાચતાં પિતા કિરણ ઠાકુર બેભાન થઇ ગયા હતા. જે બાદ તેમનું મોત નીપજ્યુ છે. અચાનક બનેલી આ દુર્ઘટનાને કારણે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. દીકરાના જન્મની ખુશીમાં દુખ વ્યાપી ગયું છે. આ ઘટનામાં પિતા કિરણ ઠાકુરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતના કોસાડ ગામમાં નવજાત બાળકની છઠ્ઠીનો પ્રસંગ ચાલી રહ્યો હતો. જેના કારણે પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. પરિવાર અને પિતા આ ખુશીને બમણી કરવા માટે ખુશીથી છલકાઇને મસ્તીમાં નાચી રહ્યા હતા. આ દરમિયાન પિતા કરણ ઠાકુર નાચતાં નાચતાં અસ્વસ્થ થઇને બેભાઇ થઇ ગયા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર શરૂ કરાવી હતી. પરંતુ થોડા જ સમયમાં હાજર તબીબે તેમને મૃત જાહેર કરી દીધા હતા. જે બાદ તબીબોએ જરૂરી સેમ્પલ લઇને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.

સાતેક દિવસ પહેલા સુરતમાં આવો જ એક ચિંતાજનક કિસ્સો સામે આવ્યો હતો. શનિ નામનો યુવાન મિત્રો સાથે જમવા ગયો હતો. જમીને તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જ બાઇક પર તેને છાતીમાં દુખાવો થયો હતો. જેથી તેના મિત્રો તેને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તેની સારવાર પણ શરૂ કરવામાં આવી હતી. જોકે, તબીબોના જણાવ્યા પ્રમાણે આ યુવાનને છાતીમાં દુખાવાની સાથે હાર્ટ એટેક આવ્યા હતા. જેથી આ યુવાનનું મોત નીપજ્યું હતુ.