સુરતના પુણામાં નિર્માણાધીન શિવજીના મંદિરનું પાલિકા દ્વારા ડિમોલિશન કરાતા સ્થાનિક લોકોએ રોષ ઠાલવ્યો

સુરત,

સુરતના પુણા વિસ્તારમાં શ્રીનાથજી સોસાયટી પાસે સ્થાનિકો દ્વારા શિવજીનું મંદિર બનાવવાનું શરૂ કરાયું હતું. જેને લઈને વિવાદ ઊભો થયો હતો. સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનના કર્મચારીઓ દ્વારા મંદિરનું ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. જેને લઇને સ્થાનિક લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. શ્રીનાથજી સોસાયટીના ગેટ પાસે ટીપી નંબર ૨૦માં રસ્તા ઉપર આવતી જગ્યા પર મંદિર બનાવવાનું શરૂ કરાયું હતું. થોડા સમય પહેલા ત્યાં સબ સ્ટેશન હતું. ત્યારબાદ ત્યાં સબ સ્ટેશન દૂર કરાતા ગંદકી થતી હતી જેને દૂર કરવા માટે સ્થાનિક લોકોએ તમામ સફાઈ કર્યા બાદ મંદિર ઉભું કરવાનું શરૂ કરી દેવાયું હતું. મંદિર કાયદેસર સ્થાન ઉપર હોવાની વાત સ્થાનિકોએ કરી હતી. શ્રીનાથજી સોસાયટીમાં રહેતા સચિન માલીએ જણાવ્યું કે આ જગ્યા ઉપર સબ સ્ટેશન હતું અને ત્યારબાદ ખૂબ જ ગંદકી પણ થતી હતી. અમે સ્થાનિક લોકો એકત્રિત થઈને અહીં શિવજીનું મંદિર બનાવ્યું હતું. કોઈપણ પ્રકારનું દબાણ અમારા તરફથી કરવામાં આવ્યું ન હોવા છતાં પણ સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જે મંદિર હતું તે મંદિરને દૂર કરતાં સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે. જો ગેરકાયદેસર ન હોય તો શા માટે આ મંદિર તોડવું જોઈએ. વરાછા ઝોનના અધિકારી કમલેશ વસાવાએ જણાવ્યું કે શ્રીનાથજી સોસાયટીના ગેટ જેટીપી નંબર ૨૦માં આવે છે. તેના રસ્તા ઉપર અનઅધિકૃત રીતે ધામક હેતુસરનું બાંધકામ કરવામાં આવી રહ્યું હતું. જેને થોડા દિવસ અગાઉ જ રોકવામાં આવ્યું હતું અને ત્યારબાદ આજે અમારી ટીમ દ્વારા ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ગેરકાયદેસર બાંધકામ હોવાને કારણે અમારી ટીમે કાર્યવાહી કરી છે.