સુરત,સુરતમાં તારીખ ૨૦ /૨/ ૨૦૨૪ ના રોજ ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી સાડા ચાર વર્ષની બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી દરમ્યાન અચાનક બાળકી ગુમ થઈ ગઈ હતી. ઘર પાસેથી રમતા-રમતા બાળકી ગુમ થઈ જતા પરિવારના સભ્યોએ બાળકીની શોધખોળ હાથ ધરી હતી. બાળકીની શોધખોળ ચાલુ હતી ત્યારે બાળકીને એક અજાણ્યો ઈસમ અપહરણ કરી લઈ જતો હોવાનું સીસીટીવી કેમેરામાં નજરે પડ્યું હતુંપસમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ કરી હતી. જેમાં ભોગ બનનાર બાળકી અખંડ આનંદ કોલેજ પાસે આવેલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી. જેથી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
પ્રાથમિક દ્રષ્ટિએ બાળકી પર દુષ્કર્મ થયું હોવાનું નજરે ચડતા પોલીસે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસને એક અવાવરું જગ્યા પરથી બાળકીના કપડા મળી આવ્યા હતા ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમે બાતમીના આધારે આરોપી અંક્તિ ઓમ પ્રકાશ ગૌતમને પકડી પાડયો હતો. આરોપીની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે , છેલ્લા દસેક વર્ષથી સુરત ખાતે એમ્બ્રોઇડરી ખાતામાં કામ કરે છે અને તારીખ ૨૦ /૨ /૨૦૨૪ ના રોજ પોલીસ મથક વિસ્તારમાં ફરતો હોય તે વખતે ભોગ બનનાર બાળકી રમી રહી હતી તે નજરે પડતાં તેને ચોકલેટ ખવડાવવાના બહાને અપહરણ કરી દુષ્કર્મ આચરી તેને છોડીને ભાગી ગયો હતો.
પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે ચોકબજાર પોલીસે ૧૩ દિવસમાં જ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. ૪૦૦ પાનાની ચાર્જશીટમાં પોલીસે નવી ટેક્નોલોજીથી મેળવેલા પુરાવાને વધુ પ્રાધાન્ય આપ્યું હતું. જે સીસીટીવી ફૂટેજ મળ્યા હતા તેમાં દેખાતી વ્યક્તિ અને ધરપકડ કરાયેલો આરોપી એક જ છે તે સાબિત કરવા ગેટ એનાલિસિસ અને ફેસ એનાલિસિસ ટેસ્ટની મદદ લેવાઈ હતી. આ બંને ટેસ્ટ પોઝિટિવ હોવાનું સુરત અને ગાંધીનગરની એફએસએલનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો. આ ટેસ્ટને પુરાવા તરીકે મૂકવાની સાથે આરોપીના સ્પર્મ, બ્લડ રિપોર્ટ અને સાંયોગિક પુરાવા પણ રજૂ કર્યા છે.