
સુરત,
શહેરમાં ધોરણ-૫ માં અભ્યાસ કરતી ૧૩ વર્ષની દીકરીનું રહસ્યમય મોત નીપજ્યુ છે. ફોન પર વાત કરતા પકડાયા બાદ દીકરીએ દવા પી લેતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવાાં આવી હતી. બુધવારની ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. દીકરીને સોમવારે રજા આપવામાં આવી હતી. ત્યારબાદ છેલ્લા બે દિવસથી તાવ આવતો હોવાથી પરિવાર દીકરીને આજે સવારે સિવિલ લઈ આવતા બાળકીને મૃત જાહેર કરવામાં આવી.

સુરતમાં એક ૧૩ વર્ષની બાળકીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મળ્યા અનુસાર, આ બાળકી તેના પરિવાર સાથે કવાસ ગામમાં રહેતી હતી અને તે ધોરણ પાંચમાં અભ્યાસ કરતી હતી. થોડા દિવસ પહેલા કોઈ સાથે બાળકી ફોન પર વાત કરતી હતી અને તે બાબતે બાળકીની માતા દ્વારા તેને ઠપકો આપવામાં આવ્યો હતો. આ વાતનું માઠુ લાગતા બાળકીએ ઘરમાં પડેલી જંતુ મારવાની દવા પી લીધી હતી.ત્યારબાદ બાળકીની તબિયત ખરાબ થઈ હોવાના કારણે તેને સારવાર માટે નિર્મળ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ત્રણથી ચાર દિવસ સુધી બાળકીની સારવાર કર્યા બાદ બાળકી તંદુરસ્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ફરી બાળકીની તબિયત લથડી હતી અને ત્યારબાદ તેને હજીરાની નંદીની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં બાળકીની પ્રાથમિક સારવાર કર્યા બાદ બાળકીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તો સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટર દ્વારા બાળકીની તપાસ કરતા બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી.બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ દરમિયાન ડોક્ટરના ધ્યાન એ વધુ એક વાત સામે આવી છે કે, બાળકીને અગાઉથી જ હૃદયમાં થોડી તકલીફ હતી અને તેની જાણ પરિવારને ન હતી. હાલ બાળકીના સેમ્પલો લઈને તેને લેબોરેટરીમાં ચકાસણી કરવા માટે મોકલવામાં આવ્યા છે. ત્યારબાદ હવે રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે કે, ખરેખર બાળકીનું મોત કયા કારણે થયું છે.