સુરત પાંડેસરા સ્થિત સિક્યુરિટી એજન્સી પર જીએસટીના દરોડા , ૪.૬૫ કરોડની કરચોરી ઝડપાઈ

સુરત,

સુરતના પાંડેસરાની સિક્યુરિટી એજન્સી પર જીએસટી દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતા. સિક્યુરિટી એજન્સીમા ૪.૬૫ કરોડની જીએસટી કરચોરી ઝડપાઈ હતી. મળતી માહિતી અનુસાર સિક્યુરિટી સંચાલક જીએસટી ઉઘરાવીને સરકારમાં જમા કરાવાતો ન હતો. આ સાથે જ તેને જીએસટી રિટર્ન પણ ફાઇલ કર્યા ન હતા. સિક્યુરિટી ઓફિસમાં તપાસ કરતા અન્ય એજન્સીના પણ ડેટા મળી આવ્યા છે. અન્ય સિક્યુરિટી એજન્સીએ ૮૩ લાખની કરચોરી કરી હોવાનું બહાર આવ્યું છે.

આ અગાઉ પણ અમદાવાદ, વડોદરા અને સુરતની ૨૦ પેઢીઓમાં સર્ચ હાથ ધરાયું હતું. તપાસ દરમિયાન ૨૭ કરોડથી વધુની કરચોરી ઝડપાઇ હતી. બાતમીને આધારે જીએસટી વિભાગે અમદાવાદની ૪ પેઢીના ૭ સ્થળે દરોડા પાડ્યાં હતા. તો સુરતમાં ૧૧ પેઢીના ૧૬ સ્થળે તપાસ હાથ ધરી હતી. જ્યારે વડોદરાની પાંચ પેઢીના પાંચ સ્થળે તપાસ કરવામા આવી હતી. તપાસ દરમિયાન ૨૦ પેઢીની ૨૭ કરોડની કરચોરી ઝડપાઇ હતી. એટલું જ નહીં બોગસ પેઢી બનાવી ખોટી રીતે વેરાશાખા લેવામાં આવી હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો હતો.