સુરતમાંથી પસાર થતી પાવરગ્રીડ લાઈનનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો છે. આ વિવાદનો હાલ અંત દેખાઇ રહ્યો નથી. સુરત જિલ્લામાં હાલ ખાવડાથી નવસારીની ૭૬૫ કિલોવોટની વિજ પરિવહન લાઈનના ટાવરો બાંધવાની કાર્યવાહી ચાલી રહી છે.
ખેડૂતોનો આરોપ છે કે કાયદાઓનું ખોટું અર્થઘટન કરીને ખેડૂતોને રંજાડવામાં આવે છે. જેમાં હાલનાં વર્ષ ૨૦૦૩ના ઈલેકટ્રીસિટી એકટનાં છડેચોક ઉલ્લંઘન કરવાનો આક્ષેપ છે. મોટી સંખ્યામાં ખેડૂતોએ પાવર ગ્રીડ કંપનીની કામગીરી સામે કલેકટરને રજૂઆત કરી. પાવર ગ્રીડ કંપનીની કામગીરી થી ખેડૂતો તેમજ પર્યાવરણને મોટા નુક્સાનનો દાવો છે.
કોઈપણ જાતની નોટિસ કે વળતર ચૂકવ્યા વગર ટાવરો બાંધવાની કામગીરીમાં વહીવટી તંત્ર અને પોલીસતંત્રનાં મેળાપીપણાંનો પણ ખેડૂતોએ આરોપ લગાવ્યો છે. ખેડૂતોને યોગ્ય વળતર ન ચુકવાતું હોવાનો ખેડૂતોના આક્ષેપ છે.
અંગ્રેજોના જમાનાનો વર્ષ ૧૮૮૫નો ટેલિગ્રામ એક્ટ નાબૂદ કરી ખેડૂતોના હિતમાં કાયદો બનાવવાની માગ ખેડૂતોએ કરી છે. નવા કાયદા પ્રમાણે વળતર આપવામાં આવે તેવી રજૂઆત જિલ્લા કલેક્ટરને કરાઇ છે.