
સુરત શહેરમાં નર્સિંગ કર્મચારીઓએ વિવિધ પડતર માગણીઓને લઈને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. આ વિરોધ પ્રદર્શનમાં શહેરના 500 નર્સિંગ કર્મચારીઓ જોડાયા છે. જેઓએ બેનરો સાથે હનુમાન ચાલીસા બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલ તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રોના તમામ નર્સિંગ કર્મચારીઓ વિરોધ કરી રહ્યાં છે.
સ્મીમેર હોસ્પિટલ ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓ દ્વારા ભગવાન શ્રીરામ અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવી રહ્યાં છે. ભગવાન સદબુદ્ધિ આપે તેવા હેતુથી કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અનોખા વિરોધની સાથે કર્મચારીઓ દ્વારા આવેદનપત્રમાં પોતાની માગણીઓ રજૂ કરવામાં આવી છે.
નર્સિંગ કર્મચારી મનોજ નિકુમે જણાવ્યું હતું કે, અમારી વિવિધ માગણીઓ છે. જેમાં તાત્કાલિક સ્ટાફની ભરતી કરવામાં આવે, નર્સિંગ એલાઉન્સ ચાલુ કરવામાં આવે જે અન્ય તમામ ગુજરાત સરકાર તેમજ અન્ય મહાનગરપાલિકાના નિયમ મુજબ, યુનિફોર્મ એલાઉન્સમાં વધારો કરવામાં આવે ગુજરાત સરકાર તેમજ અન્ય મહાનગર પાલિકાના નિયમ મુજબ, વોશિંગ એલાઉન્સમા વધારો કરવામાં આવે ગુજરાત સરકાર તેમજ અન્ય મહાનગર પાલિકાના નિયમ મુજબ.
વધુમાં જણાવ્યું હતું કે, આ અંગે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી. જોકે, કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. આજે ડીન અને પાલિકા કમિશનરને આવેદનપત્ર આપી ફરી રજૂઆત કરવામાં આવી છે. અહીં મોટી સંખ્યામાં નર્સિંગ કર્મચારીઓ જોડાયા છે.