અઢારમી લોક્સભાના ચાલી રહેલા મતદાનની પ્રક્રિયા પૂરી થતાં પહેલાં જ ભાજપના ખાતામાં એક સીટ આવી ગઈ છે. ગુજરાતની સુરત લોક્સભા સીટ પર ભાજપી ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરી દીધા છે. આ સીટથી કોંગ્રેસ ઉમેદવારનું નામાંકન રદ્દ થઈ ગયું હતું, જ્યારે બાકી બચેલા આઠ ઉમેદવારોએ પોતાનું નામાંકન નામ પાછા ખેંચવાની આખરી તારીખ સુધીમાં પાછું ખેંચી લીધું હતું. રવિવારે ચૂંટણી અધિકારીએ સુરત સીટથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન પ્રસ્તાવકોની સહીમાં પ્રથમ દૃષ્ટિએ વિસંગતિ હોવાને કારણે રદ્દ કરી દીધું હતું. જોકે નામાંકન રદ્દ થવાને લઈને દેશમાં રાજનીતિ ગરમાઈ ગઈ, કોંગ્રેસ ચૂંટણી પંચ પર આક્રમક બની ગઈ. કોંગ્રેસે નામાંકન રદ્દ થવા વિરુદ્ઘ અદાલતમાં જવાની વાત કહી છે. કોંગ્રેસના રાહુલ ગાંધીએ તો આરોપ લગાવ્યો કે આ બંધારણ ખતમ કરવાની દિશામાં ભરાયેલું વધુ એક પગલું છે. સાથે જ તેમણે આને મોદી સરકારની તાનાશાહી પણ ગણાવી દીધી.
સુરતના ડીએમએ સફાઈ આપી કે કોંગ્રેસ ઉમેદવારને સહી કરનારા સાક્ષીઓને સમયસર રજૂ થવા માટે કહેવાયું હતું, પરંતુ કોંગ્રેસના ઉમેદવારે જ આદેશનું પાલન ન કર્યું. સમયસીમા સમાપ્ત થયા બાદ જ ચૂંટણી પંચે નિર્ણય લીધો. આમાં કોંગ્રેસી ઉમેદવારની જ ભૂલ જણાઈ આવે છે. આવી સ્થિતિથી બચવા માટે વિપક્ષે જે તૈયારી કરવી પડે તે કરી ન હતી, બલ્કે કહી શકાય કે તેમણે ‘જુદી’ જ તૈયારીઓ કરી રાખી હતી! જોકે કોંગ્રેસનું તો નામાંકન રદ્દ થયું, પરંતુ બાકી બચેલા આઠ ઉમેદવારોએ પોતાનું નામાંકન કેમ પાછું ખેંચી લીધું? એની તપાસ ચૂંટણી પંચે પોતાના સ્તરે કરવી જોઇએ. સુરતમાં ચૂંટણી યોજાઈ હોત તો સારું થાત, જનતાને પોતાનું મતદાન કરવાનો અવસર મળ્યો હોત. ચૂંટણી પંચે એવી સ્થિતિથી બચવા માટે કાયદાકીય રીતે કોઈ જોગવાઈ કરવી જોઇએ, જેમાં મતદાનના અધિકારથી જનતા વંચિત ન રહે. આજકાલ જો કે નોટાનો વિકલ્પ પણ છે. જોકે ટેકનિકલ રીતે નોટાને કોઈ ઉમેદવાર ન માની શકાય, અને જ્યાં એક ઉમેદવાર હોય ત્યાં નોટા લાગુ જ નથી પડતું. એટલે આ મુદ્દો અહીં ખોટો ઠરે છે. આવામાં કોંગ્રેસનો એવો આરોપ કે આ લોક્તંત્રની હત્યા છે તે સાવ નકામો છે. આવું પહેલીવાર નથી બન્યું કે લોક્સભા ઉમેદવાર ચૂંટણીમાં બિનહરીફ જીત્યા હોય. ૧૯૫૧થી અત્યાર સુધી થયેલ સંસદીય ચૂંટણીમાં ઓછામાં ઓછા ૩૪ ઉમેદવારો બિનહરીફ જીત્યા છે. હાલમાં જ થયેલી અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ૧૦ ઉમેદવારો બિનહરીફ જીત્યા હતા. ૨૦૧૨માં સપાનાં ડિમ્પલ યાદવને કન્નૌજ લોક્સભા સીટ પરથી બિનહરીફ જીત મળી હતી. લોક્સભા ચૂંટણીઓમાં બિનહરીફ જીત મેળવનારામાં વાયબી ચવ્હાણ, ફારુક અબ્દુલ્લા, હરેકૃષ્ણ મહતાબ, ટીટી કૃષ્ણમાચારી, પીએમ સઈદ અને એસસી ઝમીર સામેલ છે. અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટીના જ સૌથી વધુ ઉમેદવારોએ લોક્સભા ચૂંટણીમાં બિનહરીફ જીત મેળવી છે. તેથી બિનહરીફ ચૂંટણીને લોક્તંત્ર માટે ખતરો ન માની શકાય.