સુરતની હોટલમાંથી ૨૫ વર્ષીય યુવાનનો મૃતદેહ મળ્યો, રૂમમાં જીવન ટૂંકાવ્યુ

સુરત, શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલી એક હોટલમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ગડોદરા વિસ્તારની યુ એન્ડ મી નામની હોટલના એક રૂમમાંથી ૨૫ વર્ષના યુવકોનો ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો છે. સ્થાનિક પોલીસે યુવકનો મૃતદેહ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ યુવાને કેમ પોતાનું જીવન ટૂંકાવ્યું તે અંગે કોઇ માહિતી સામે આવી નથી.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલી યુ એન્ડ મી નામની હોટલમાંથી ૨૫ વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. આ યુવાન હોટલની એક રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. જે બાદ હોટલના સ્ટાફે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. જોકે, હાલ તેની પાસેથી કોઇ અંતિમ ચિઠ્ઠી મળી હોવાના સમાચાર નથી. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ રિપોર્ટ આવ્યા બાદ આ કેસમાં વધારે માહિતી મળી શકે છે. હાલ આ યુવાનના પરિવાર અને તે ક્યાંથી આવ્યો છે તે અંગેની તપાસ ચાલી રહી છે.

સુરતમાં આ પહેલા પણ આવા કિસ્સા સામે આવ્યા છે. થોડા સમય પહેલા પણ સુરતના સરથાણા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ પાસોદ્રાના ઓમ ટાઉનશિપમાં હૈયું હચમચાવી નાખે તેવી ઘટના બની હતી. શહેરની ઓમ ટાઉનશિપમાં રહેતી યુવતી અને તેમજ ટાઉનશિપમાં રહેતા યુવકને પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે બે દિવસ પહેલા યુવતીની સગાઈ નક્કી થઈ ગઈ હતી. આ વાતનો દ્વેષ રાખી પ્રેમી યુવક અંક્તિ જયંતિ ભાંભળા યુવતીના ઘરે ઘુસી ગયો હતો. યુવતીના માતા-પિતા સાડી પાલિસનું કામ કરતા હોવાથી ઘરે માત્ર બે બહેનો જ હતી. ઘરમાં ઘુસેલા યુવાને પહેલા પ્રેમિકાને ચપ્પાના ઘા માર્યા હતા અને તેને બચાવવા જતા બીજી બહેનને પણ હાથના ભાગે ચપ્પાના ઘા વાગ્યા હતા.

માત્ર એટલું જ નહીં પ્રેમમાં પાગલ બનેલા યુવાને પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટી પોતાના પરજ આગ લગાવી દીધી હતી. આગ લગાવી બાજુમાં જ ઉભેલી પ્રેમિકાને યુવાને બાથ ભીડી લીધી હતી. આ ઘટનામાં પ્રેમી યુવાન ભડથું થઈ ગયો હતો અને ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો.