સુરત, સુરતના પુણા પોલીસ મથક વિસ્તારમાં ગઈકાલે એક હત્યાની ઘટના બની હતી આ મામલે પોલીસે તપાસ શરુ કરી હતી. યુવતીને ભગાડીને સુરત લઇ આવતા યુવતીના પિતા સુરત આવ્યા હતા ત્યારે બોલાચાલી દરમ્યાન આરોપીઓએ આધેડને લાકડાના ફટકા અને લોખંડના સળિયા મારી દીધા હતા જેમાં તેમનું મોત થયું હતું. હાલ પોલીસે હત્યારા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેપ
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ભાવનગરના વલ્લભીપુર તાલુકાના નશીતપર ગામમાં રામપીર મંદિરની પાછળ રહેતા પશુપાલક બાબુભાઈ જશમતભાઈ વાઘેલાની દીકરીને મૂળ ભાવનગરના તળાજાના થાડીસ ગામનો વતની અને સુરતમાં પરવત પાટીયાથી રેશ્મા રો હાઉસ ચાર રસ્તા તરફ આવતા એસએમસી પાર્કીગની બાજુમાં નીલગીરી પોપડામાં ઝૂપડામાં રહેતો તેમની બહેનનો દીકરો વિશાલ માઠુભાઇ પરમાર ૨૦ દિવસ અગાઉ ભગાડીને સુરત લાવ્યો હતો. ત્રીજા દિવસે પિતા બાબુભાઈ, મનસુખભાઈ અને ભાઈ વિક્રમ સુરત આવ્યા હતા અને વિશાલ પાસેથી સોનલને લઈ વતન પહોંચ્યા હતા.
વતનમાં લઈ ગયા બાદ સોનલના સાતથી આઠ દિવસમાં તેના લગ્ન મોરબી વાંકાનેરના ગારીડા ખાતે રહેતા યુવક સાથે કર્યા હતા.લગ્નના ૭ દિવસ બાદ બહાદુરે બાબુભાઈને ફોન કરી જાણ કરી હતી કે તમારી દીકરી જતી રહી છે, ક્યાં ગઈ છે ખબર નથી. મારા ફોનમાં તમારો ભાણિયો જે પહેલા તમારી દીકરીને ભગાવી ગયો હતો તેનો ફોન આવે છે અને તે પોતાના તમારી દીકરી સાથેના ફોટા પણ મોકલે છે. તમે તમારી દીકરીને શોધી આપો.
દિકરીના સાસરિયાની ફરિયાદ બાદ ગત ૭ એપ્રિલે સવારે ૧૧ વાગ્યે બાબુભાઈ તેમના મોટા ભાઈ મનસુખભાઈ અને પુત્ર વિક્રમ સાથે ફરી સુરત આવ્યા હતા. અને ભાણીયાના ઝુંપડા પાસે પહોંચી ગયા હતા. ત્યાં હાજર ભાણેજ, તેના ભાઈઓ વનરાજ ઉર્ફે વનુરો, મુકેશ ઉર્ફે પ્રકાશ અને શૈલેષ ઉર્ફે હાદાને દીકરી અંગે પૂછતાં ચારેયે ઉશ્કેરાઈને લોખંડના હથોડા, સળીયા, પાઈપ, પથ્થર અને લાકડા વડે બાબુભાઈ અને મનસુખભાઈ ઉપર હુમલો કરતા વિક્રમ તેમને બચાવવા વચ્ચે પડયો તો તેને પણ માર માર્યો હતો. આ ઘાતકહુમલામાં બાબુભાઈનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું.જયારે મનસુખભાઈને ગંભીર ઇજા થતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
હત્યાના બનાવની જાણ થતા દોડી ગયેલી પુણા પોલીસે વિક્રમની ફરિયાદના આધારે ચારેય ભાઈઓ વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પુછપરછ કરી હતી. પણ તેમણે પિતરાઈ બહેન ક્યાં છે તે અંગે કશું જાણતા ન હોવાનું જણાવ્યું હતું. દરમિયાન પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે બાબુભાઈ વાઘેલાની દીકરી તેની સાસરીમાં જ છે જોકે તે થોડા કલાકો માટે સાસરીમાંથી દૂર જવાના કારણે ભાણીયા પર જ શંકા કરી સુરત આવતા આ આખો હત્યાકાંડ સર્જાયો હતો. હાલ પોલીસે સગીર ભાણેજ, તેના ભાઈઓ વનરાજ ઉર્ફે વનુરો, મુકેશ ઉર્ફે પ્રકાશ અને શૈલેષ ઉર્ફે હાદાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.