સુરતના રસ્તાઓ પર ફરશે ઇલેક્ટ્રિક બસો, સુવિધાઓ તો ફોરેન પણ ટક્કર આપે તેવી

સુરત,શહેરમાં બનતી અકસ્માતની ઘટનાઓને અટકાવવા અને પર્યાવરણની જાળવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા આજથી અનોખી શરૂઆત કરવામાં આવી છે. શહેરના રસ્તાઓ પર ૫૦ જેટલી ઇલેક્ટ્રિક બસો દોડાવવાની શરૂઆત કરવામાં આવી છે. અદ્યતન ટેકનોલોજી અને સુવિધા સાથેની એક બસની કિંમત ૧.૬૮ કરોડ રૂપિયાની છે. જે બસમાં આગળ અને પાછળ બંને બાજુએ CCTV કેમેરા પણ લગાડવામાં આવ્યા છે. આ ઉપરાંત, બસમાં કેટલા મુસાફરોની સંખ્યા છે, તેના પર નજર રાખવા માટે ૩૬૦ ડિગ્રીના કેમેરા પણ રાખવામાં આવ્યા છે. આ સાથે અન્ય સુવિધાઓનો પણ બસમાં સમાવેશ કરાયો છે. જેમાં ૩૫ જેટલી બસો ONGC થી સરથાણા અને ૧૫ જેટલી બસો ઉધનાથી સચિન રૂટ પણ દોડાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં પાલિકા દ્વારા સીટી અને BRTS બસો દોડાવવામાં આવી રહી છે. જેમાં ૬૦૦ થી વધુ સીટી બસ અને ૭૦૦ જેટલી BRTS બસોનો સમાવેશ થાય છે. જો કે પર્યાવરણની જાળવણીની સાથે સાથે શહેરમાં ભૂતકાળમાં BRTS અને સીટી બસ અડફેટે બનેલી અકસ્માત જેવી ઘટનાઓને અટકાવવા પાલિકા દ્વારા અદ્યતન ટેકનોલોજી અને સુવિધા સાથેની ૧૫૦ ઇલેક્ટ્રિક બસ દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રારંભિક તબક્કે ૫૦ જેટલી બસોનો પ્રારંભ આજથી ભેસ્તાન ડેપો ખાતેથી કરવામાં આવ્યો છે. જે બસનું ટ્રાયલ પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન સોમનાથ મરાઠે દ્વારા લેવામાં આવ્યું છે. કંપની દ્વારા ૫૦ પૈકી એક બસની કિંમત અંદાજીત ૧.૬૮ કરોડ રૂપિયા બતાવવામાં આવી છે. જે બસમાં ટેકનોલોજીનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બસની અંદર અલગ અલગ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેવી કે, સીસીટીવી કેમેરા, ૩૬૦ ડિગ્રી કેમેરા, પેસેન્જર કાઉન્ટ ફેસિલિટી, પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ, પેસેન્જર ઇમરજન્સી બટન, ફાયર સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

અકસ્માતની ઘટના સમયે ચાલક પોતાની જવાબદારીમાંથી છટકી ન જાય તે માટે ડ્રાયવર સીટ પર ખાસ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. તેવી ન રીતે બસની આગળ અને પાછળ બંને સાઈડના એરિયા કવર કરી શકે તે માટેના હાઈ-ડેફીનેશન કેમેરામાં પણ બસમાં લગાડવામાં આવ્યા છે, જેથી બસની આગળના તમામ દ્રશ્યો પણ સીસીટીવી કેમેરાથી જોઈ શકાય છે.

બસમાં સવાર મુસાફરોએ બસ સ્ટોપ આવી ગયું હોય અને ઉતરવું હોય તો તેના માટે પેસેન્જર સીટ પર જ સ્ટોપ બટનની સુવિધા આપવામાં આવી છે. જે બટન દબાવતાની સાથે આગળ બેઠેલા ડ્રાયવરને મોટી સ્ક્રીન પર બસ થોભાવવા માટેનો સંદેશ મળી જશે. આ સિવાય ઈમરજન્સી રૂફટોપ, ફાયર ઈક્વિપમેન્ટ સાથેની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. બસ સંપૂર્ણ એસીથી સુવિધાજનક છે. જે જીપીએસ સિસ્ટમ સાથે કનેક્ટ કરવામાં આવી છે. જેનું મોનીટરીંગ પણ કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવશે.જે બસમાં કેટલા મુસાફરો બેઠા છે અને બસ ક્યાં લોકેશન પર છે તેમજ કેટલા સમયમાં બસ ક્યાં સ્ટેશન પર પહોંચશે, તેની પણ સંપૂર્ણ માહિતી કંટ્રોલરૂમ દ્વારા મળી રહેશે. એક રીતે પાલિકાએ શહેરીજનોની માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં અદ્યતન ટેક્નોલોજી સાથેની સુવિધામાં વધારો કર્યો છે. જે આગામી દિવસોમાં વધુ ૧૦૦ બસ શહેરના રસ્તાઓ પર દોડાવવામાં આવશે.