તાજેતરમાં જ રાષ્ટ્રીય બાળ આયોગનાં આદેશ મુજબ સમગ્ર રાજ્યમાં મદરેસામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરતમાં આવેલ મદરેસાઓમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. જે બાદ ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો છે. જેમાં સુરતનાં ૧૯ મદરેસાઓમાં ૬૭ વિદ્યાર્થીઓ જ માત્ર ધર્મનું શિક્ષણ મેળવે છે. જેઓ શાળાનું સામાન્ય શિક્ષણ મેળવતા નથી. ૬૭ વિદ્યાર્થીઓમાં માત્ર ત્રણ જ વિદ્યાર્થીઓ ગુજરાતનાં હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જ્યારે બાકીનાં ૬૪ વિદ્યાર્થીઓ પશ્ર્ચિમ બંગાળ, બિહાર સહિતનાં રાજ્યોનાં છે. તેમજ બાકીનાં ૨૦ મદરેસાઓમાં સર્વેની કામગીરી આગામી સમયમાં પૂર્ણ કરાશે.
સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી ડીઈઓએ બનાવેલ ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ પણ આપી દેવામાં આવ્યો છે. બાળકો સ્કૂલ કેમ જતા નથી તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ ટીમને બાળકોનાં એડ્રેસ પણ મળી આવ્યા છે. તેમજ મદરેસામાં પાંચથી છ વર્ષનાં બાળકો પણ જતા હોવાનું તપાસમાં બહાર આવવા પામ્યું છે.
આ સમગ્ર બાબતે ડીઈઓએ જણાવ્યું હતું કે, મદરેસામાં કોઈ હિન્દુ બાળક જાય છે કે નહી તે બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતું તેવું કંઈ જ મળી આવ્યું નથી. તેમજ મૌલવીઓ દ્વારા તપાસ કરતી ટીમોને સહકાર પણ આપવામાં આવતો ન હોવાની ફરિયાદ મળવા પામી હતી.