સુરતના અમરોલી વિસ્તારમાં યુવકની લાકડાના ફટકા મારીને હત્યા કરવામાં આવી

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા અંજની ૨ ઇન્ડસ્ટ્રીમાં એક ૨૫ વર્ષીય યુવકની લાકડાના ફટકા મારીને હત્યા કરવામાં આવી હતી. ભાડાના રૂપિયાને લઈ થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચી ગયો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત આ યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવતા તેનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધીને બે આરોપીઓની અટકાયત કરી છે.

મળતી માહિતી પ્રમાણે, મૂળ ઓડિશાનો અને હાલ અમરોલી વિસ્તારમાં આવેલી અંજની ૨ ઇન્ડસ્ટ્રીમાં ૨૫ વર્ષીય રવિ ઉર્ફે ગણેશપપ્પુ ખદલ બિંદ રહેતો હતો. લુમ્સના ખાતામાં કામ કરીને ભાડાની રૂમમાં રહેતો હતો. પરિવાર વતનમાં રહે છે અને તે અહીં રોજગારી અર્થે આવીને પરિવારને આથક રીતે મદદરૂપ થતો હતો. મૂળ ઓડિશાના અન્ય યુવકો સાથે તે અહીં રહેતો હતો અને કામ કરતો હતો.

ગતરોજ ૫ વાગ્યા આસપાસ અન્ય બે વતનના યુવકો સાથે રવિના ભાડાના રૂપિયાના બાબતે ઝઘડો થયો હતો. રવિએ બેફામ શબ્દો કહેતા બંને યુવકો ઉશ્કેરાઇ ગયા હતા અને લાકડાના ફટકાથી રવિને મારવાનું ચાલુ કર્યું હતું. રવિના પગના ભાગે ગંભીર ઇજાઓ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન રવિનું મોડીરાત્રે મોત નિપજ્યું હતું. યુવકના મોતના પગલે અમરોલી પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

યુવકના પગના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું મોત નીપજ્યાની શક્યતા છે. અમરોલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે બે આરોપીઓની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ કરી છે.