
સુરત, સુરતમાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી કરી ટેક્સટાઈલ ક્ષેત્રના જાણીતા ઐશ્ર્વર્યા ગ્રૂપ સહિતના વિવિધ સ્થળે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. ગ્રૂપના વિવિધ સ્થળે ૫ દિવસ સુધી ચાલેલી આ તપાસ હવે પૂર્ણ થઈ છે. તપાસ દરમિયાન ૪૦૦ કરોડના દસ્તાવેજો મળી આવ્યા હોવાની માહિતી છે. ઉપરાંત, ૨૦ બેંક લોકર, ૪ કરોડથી વધુની રોકડ અને કરોડાના દાગીના જપ્ત કરી આગળની તપાસ હાથ ધરાઈ છે. સાથે જ જપ્ત કરાયેલા ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સના તપાસ માટે ફોરેન્સિક એક્સપર્ટ બોલાવાશે.
સુરતમાં ટેક્સટાઈલ ક્ષેત્રે જાણીતા એશ્વર્યા ગ્રૂપ સહિતના વિવિધ ૫ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ૧૦૦ થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓની આવકવેરા વિભાગની ટીમ લગભગ એક સાથે જ ૫ જગ્યાએ આ દરોડા પાડ્યા હતા અને આથક નાણાકીય વ્યવહારોની તપાસ હાથ ધરી હતી. સતત ૫ દિવસ સુધી કાર્યવાહી કર્યા બાદ હવે તપાસ પૂર્ણ થઈ છે. દરમિયાન, તમામ સ્થળો પરથી રૂ. ૪૦૦ કરોડના દસ્તાવેજો મળી આવ્યા છે. ઉપરાંત, ૨૦ બેંક લોકર, ૪ કરોડથી વધુની રોકડ અને જ્વેલરી જપ્ત કરાઈ છે, જેની તપાસ હાથ ધરાશે. માહિતી મુજબ, આવકવેરા વિભાગની ટીમો દ્વારા ગ્રૂપના એસ એન ટ્રેડ લિંક, આદર્શ કોલ, તરણજ્યોત કોલ, વરેલીની એશ્વર્યા ડાયમંડ પર સર્ચની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
અહેવાલ અનુસાર, આવકવેરા વિભાગની ટીમોને કાર્યવાહી કરી જમીન ખરીદી-વેચાણ, જમીનમાં રોકાણ, શેર માર્કેટમાં રોકાણ સહિતના દસ્તાવેજો મળી આવ્યા છે. સાથે જ ખર્ચો વધારવા માટે બિલ પણ ખરીદવામાં આવ્યા હોય તેવી આશંકા વ્યક્ત કરાઈ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તમામ હિસાબો કોર્ડમાં રાખવામાં આવતા હતા. હિસાબોની તપાસમાં મોટાપાયે બેનામી વ્યવહારો મળવાની શક્યતા છે.