સુરત શહેરની ટ્રાફિકની સમસ્યા હળવી કરવા પે એન્ડ પાર્કની સુવિધા ઊભી કરવામાં આવી હતી, જેમાં સુરત મનપાના કોર્પોરેટરોએ કોન્ટ્રાક્ટરને શાકભાજી માર્કેટની કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરેલાનું જણાવી, તકરાર અને બોલાચાલી ધમકી આપી હતી બાદમાં સખ્ત કાર્વાહીથી બચવું હોય તો રૂપિયા ૧૧ લાખ આપવાની ધમકી આપી હતી. અંતે રૂ. ૧૦ લાખમાં લાંચ લેતા કોર્પોરેટરોને એસીબીએ ઝડપી પાડ્યા છે તેમજ તેમની વિરૂદ્ધ ગુનો દાખવ કરાયો છે.
સુરત શહેરમાં પ્રજાને સુવિધા પૂરી પાડવા ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા સુરત મહાનગરપાલિકા દ્વારા મગોબ ગામની સીમમાં આવેલા ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર ૫૩ના ફાઈનલ પ્લોટ નંબર ૮૮માં મલ્ટી લેવલ પાકગની પે એન્ડ પાર્કની સુવિધા ઊભી કરવામાં આવી હતી. પે એન્ડ પાર્કની સુવિધાવાળી જગ્યામાં મનપા દ્વારા શાકભાજી માર્કેટની જગ્યા ફાળવવામાં આવી હતી. જેમાં સુરત મનપાના પુણાના વોર્ડ નંબર ૧૬ અને ૧૭ના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગીયાએ જગ્યાની મુલાકાત લઈ ગેરકાયદેસર દબાણ કરેલાનું કહી બોલાચાલી કરી હતી.
બાદમાં પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી કોન્ટ્રાક્ટર પાસે ગેરકાયદે દબાણ કરવા બાબતનું માફીપત્ર લખાવી બંને કોર્પોરેટરોએ કાર્યવાહીથી બચવું હોય તો રૂપિયા ૧૧ લાખ આપવા પડશે તેવી ધમકી આપી હતી. ફોનમાં અંતે રકઝક કરી રૂપિયા ૧૦ લાખ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, આ સમગ્ર વાતચીતનું ઓડિયો રેકોડગ કરવામાં આવ્યું હતું. કોડવર્ડ દ્વારા સાંકેતિક ભાષામાં ડોક્યુમેન્ટ આપવાના છે કહી તેવો શબ્દ વાપરતા હતા. જેમાં ડોક્યુમેન્ટ એટલે નાણાં થતાં હતા.
કોન્ટ્રાક્ટર પોતે લાંચ આપવા માંગતા ન હોઈ રેકોડગ એસીબીમાં મોકલ્યું હતું. એસીબીએ તપાસ કરી એફએસએલના પ્રમાણપત્રના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં બંને કોર્પોરેટર સામે પ્રિવેન્શન ઓફ કર્રશન હેઠળ ગુનો બનતો હોઈ કલ્પેશ ધડુકનાએ ફરિયાદી બની રૂપિયા ૧૦ લાખની માંગણી અંગે ગુનો નોંયો છે.