સુરતમાં રૂ.૨૦૦૦ કરોડના સરકારી પડતર જમીન કૌભાંડના કેસમાં કોંગ્રેસે જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરી ગુનો દાખલ કરવાની માંગ કરી છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે આ અંગે લાંચરૂશ્ર્વત વિરોધી શાખાના નિયામકને ફરિયાદ કરી તપાસની માંગ કરી છે.
દર્શન નાયકની ફરિયાદમાં જણાવાયું છે કે, ડુમસમાં આવેલી અંદાજિત રૂ. બે હજાર કરોડની ૨,૧૭,૨૧૬ ચોરસ મીટર સરકારી પડતર જમીન સસ્પેન્ડેડ કલેકટર આયુષ ઓકે સરકારી જમીનમાં ગણોતિયાના નામો દાખલ કરવા માટે તેમની સત્તાનો દૂરપયોગ કર્યો છે. કરોડો રૂપિયાની લાંચ મેળવી છે એવું અમારું સ્પષ્ટ માનવું છે. સરકારે કલેકટર આયુષ ઓકને સસ્પેન્ડ કર્યા છે. લાંચ રૂશ્ર્વત અધિનિયમની કલમ-૭ મુજબ સસ્પેન્ડેડ કલેકટર આયુષ ઓક સંપૂર્ણપણે જવાબદાર છે. અને તેમની સામે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરવી આવશ્યક છે.
ઉલ્લેખનીય છે કે ડુમસની સરકારી પડતરની જમીનમાં સસ્પેન્ડેડ કલેકટર આયુષ ઓક દ્વારા ગણોતિયાના નામો દાખલ કરવા માટે ખોટી રીતે હુકમ કરવામાં આવ્યો હતો. આ હુકમ તેમની બદલીના બે દિવસ અગાઉ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અમારા તરફથી કરવામાં આવેલી ફરિયાદને આધારે કલેકટર આયુષ ઓકને ગુજરાત સરકાર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આ કેસની તમામ હકીક્તો ઉપરથી સાબિત થાય છે કે સસ્પેન્ડેડ કલેકટર આ બાબતે સંપૂર્ણપણે જવાબદાર છે. તેમની બદલીના ૨ દિવસ અગાઉ જ હુકમ કરવામાં આવ્યો હતો, તેમના હુકમ ઉપરથી એવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ આવે છે કે ખોટી રીતે ગણોતિયાના નામ દાખલ કરવા હુકમ કરવા બાબતે તેમના દ્વારા કરોડો રૂપિયાની લાંચ ગણોતિયાઓ પાસેથી લેવામાં આવી છે. જેની તપાસ કરાવવામાં આવે.
સસ્પેન્ડેડ કલેકટર આયુષ ઓકની આવક અને તેમની મિલક્ત અંગેની પણ તુલનાત્મક તપાસ હાથ ધરવામાં આવે, જેથી તેમની આવક અને તેમની મિલક્તો વચ્ચેનું અંતર જાણી શકાય. જો આવક કરતાં મિલક્ત વધુ હોય તો પણ તેમની સામે અપ્રમાણસર મિલક્તનો ગુનો પણ દાખલ કરવામાં આવે એવી મારી માંગણી છે.