રાજ્યમાં વધુ એક નકલી આઈપીએસ અધિકારી પોલીસનાં હાથે ઝડપાઈ જવા પામ્યો છે. સુરત જીલ્લામાંથી નકલી આઈપીએસઅધિકારી ઝડપાતા ચકચાર મચી જવા પામી હતી. નકલી આઈપીએસ દ્વારા ગુજરાત ટુરિઝમની તોરણ હોટેલમાં ભાગીદાર બનાવવાનું કહી બિલ્ડર અને રેસ્ટોરન્ટ માલિકને ઠગી ૩૧ લાખ પડાવ્યા હતા. કામરેજ પોલીસે છેંતરપિંડી કરનાર પ્રદીપ પટેલે ઝડપી લીધો હતો. કોર્ટે આરોપીનાં પાંચ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા.
મળતી માહિતી મુજબ સમીર જમાદારને તેના મિત્ર થકી પ્રદીપ પટેલ સાથે ઓળખાણ થઈ હતી. પ્રદીપ પટેલે આઈપીએસ અધિકારી હોવાની ઓળખ આપી હતી. જે બાદ થોડા સમય બાદ પ્રદીપે સમીર જમાદારને કામરેજનાં વલથાન ગામ પાસે તોરણ હોટેલમાં ૩૦ ટકા ભાગીદાર રહેવાનું કહ્યું હતુ. જે બાદ સમીરે ટુકડે ટુકડે ૨૩ લાખ રૂપિયા આપ્યા હતા.
થોડા સમય બાદ સમીર જમાદારએ પ્રદીપને હોટલ એગ્રીમેન્ટ બાબતે કહેતા પ્રદીપે ગમે તે બહાને વાતને ટાળી દેતો હતો. જે બાદ સમીરે પૈસા પરત માંગતા પ્રદીપે ૧૨ લાખ રૂપિયા પરત કર્યા હતા. અને ૧૨ લાખ પછી આપી દેવાનું કહ્યું હતું. પરંતું ઘણો સમય થઈ ગયા બાદ પણ પ્રદીપે પૈસા પરત ન આપતા સમીર છેતરાયો હોવાનું માલુમ પડતા સમીરે આ સમગ્ર મામલે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી દ્વારા કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીનાં કલાકોમાં જ છેંતરપીંડી કરનાર નકલી આઈપીએસ અધિકારીની ધરપકડ કરી હતી. આરોપીનો મોબાઈલ ફોન ચેક કરતા આઈપીએસ અધિકારીનો ડ્રેસ પહેરેલા ફોટા મળી આવ્યા હતા.
ઝડપાયેલ પ્રદીપ નામના શખ્સે ફરિયાદી સમીરને પોતે આઈપીએસ ઓફિસર હોવાની ઓળખ આપી હતી. નકલી આઈપીએસ બની ફરતા પ્રદીપ પટેલે અન્ય લોકો સાથે પણ ઠગાઈ કરી હોવાની પોલીસને શંકા છે.