ગુલ્લીબાજ શિક્ષકો સામે છેવટે તંત્રએ લાલ આંખ કરી છે. મીડિયામાં મચેલા ભારે હોબાળાના પગલે તંત્રએ લાલ આંખ કરી છે. આમ શાળાકીય શિક્ષણના મોરચે તંત્રની લાલિયાવાડી પ્રસાર માધ્યમોએ ખુલ્લી પાડતા તંત્રએ આ શિક્ષકો સામે હવે પગલાં લેવાની ફરજ પડી રહી છે. આ સંદર્ભમાં તંત્રએ સુરતના બે શિક્ષકોને બરતરફ કર્યા છે.
આ બંને શિક્ષકો વિદેશમાં રહીને દેશમાં મફત પગાર લેતા હતા. શિક્ષણ સમિતિ દ્વારા દસ નોટિસ ફટકારવામાં આવી છે. સત્તાધીશોએ બે શાળાના શિક્ષકોને બરતરફ કર્યા છે. હવે સવાલ તે ઉદભવે છે કે આ બંને શિક્ષકોને બરતરફ તો કર્યા, પરંતુ તેમણે અત્યાર સુધી લીધેલા મફત પગારનું શું. શું ભણાવ્યા વગર તેઓએ લીધેલો મફતનો પગાર સરકાર પરત લેવા હક્કદાર નથી.
આ શિક્ષકોએ લાંબા સમયથી મફતનો પગાર સરકાર પાસેથી પડાવ્યો અને વિદ્યાર્થીઓના ભાવિને નુક્સાન પહોંચાડ્યુ તે બદલ આ શિક્ષકો પાસેથી મફતનો પગાર વસૂલવા ઉપરાંત વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવા બદલ કેસ કરવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના ગામડાંની શાળાઓમાં કેટલાક શિક્ષકો સતત ગેરહાજર રહેતા હોવાની ફરિયાદો ઊઠી હતી. ઘણા એવા શિક્ષકો મળ્યા હતા કે શાળાઓમાં ચાલુ નોકરીએ વિદેશમાં વસવાટ કરી રહ્યા છે. તાજેરમાં બનાસકાઠાંમાં એક શિક્ષકનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ સરકારે તમામ શાળાઓમાં તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન અનેક શિક્ષકોની પોલંપોલ ખૂલી ગઈ હતી. ભારે હોબાળો થતાં શિક્ષણ વિભાગે કાર્યવાહી કરી છે. રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો જાણે રાફડો ફાટ્યો હોય એવી પરિસ્થિતિ સર્જાય હતી. જોકે, હવે આવા શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સરકારે પણ કમર ક્સી છે.