સુરતમાં ત્રિપલ મર્ડર સીસીટીવીમાં કેદ

  • નોકરીમાંથી તગેડી મૂક્તા કારીગરોએ કારખાનાના માલિક, તેના પિતા અને મામાની હત્યા કરી.
  • હત્યાકાંડને અંજામ આપનાર બેની અટકાયત.

સુરત,

અમરોલી વિસ્તારમાં આવેલા અંજની ઈન્ડસ્ટ્રીયલમાં નોકરીમાંથી કાઢી મૂક્તાં એમ્બ્રોઈડરી કારખાના માલિક સહિત ત્રણની હત્યા કરી બે કારીગરો ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે હાલ બંને આરોપીઓની અટકાયત કરી લીધી છે. ઘટના બાદ કારખાના માલિકનાં પરિવારજનો દ્વારા આરોપીઓને ઝડપી કડક કાર્યવાહીની માગ કરી હતી. હત્યાની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે.

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા અંજની ઈન્ડસ્ટ્રીયલમાં વેદાંત ટેક્સો નામનું એમ્બ્રોઈડરીનું કારખાનું આવેલું છે. જેમાં આજે મારામારીની ઘટના સર્જાઈ હતી. કારખાનાના માલિક પર બે કારીગરોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં કારખાના માલિક કલ્પેશ ધોળકિયા, તેના પિતા ધનજીભાઈ અને મામા ઘનશ્યામભાઈ ત્રણે જણાનાં મોત થયાં હતાં. ઘટના બાદ ત્રણેયને કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ડીસીપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે અમરોલીમાં આવેલી વેદાંત ટેક્સોમાં આજે ૯થી સવા નવ વાગ્યાની આસપાસની આ ઘટના બની છે. એમ્બ્રોઈડરી કારખાનામાં કામ કરતાં કારીગરો દસ દિવસ પહેલાં જ કામે લાગ્યા હતા. તેને નોકરીમાંથી કાઢી મૂકવાની અદાવતમાં હત્યા કરવામાં આવી છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે નાઇટશિપમાં કામ કરતા કારીગરે યોગ્ય કામગીરી ન કરતા તેને છૂટો કરી દેવામાં આવ્યો હતો. જેની અદાવત રાખીને આજે વહેલી સવારે કારખાનામાં આવીને કારખાના માલિક, તેના પિતા અને મામાની હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે આ ઘટનામાં બે આરોપીને રાઉન્ડ અપ કર્યા છે. જેમાંથી એક સગીર વયનો છે અને એક પુખ્ત વયનો છે.

સુરતના અમરોલીમાં એમ્બ્રોડરી કારખાનાના વેપારીઓની હત્યા મામલે હાઈ લેવલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં આ મિટિંગ યોજવામાં આવશે. આ મિટિંગમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સ્થાનિક ધારાસભ્ય, સમાજના અગ્રણીઓ અને વેપારી અગ્રણીઓ સાથે મળી આ કેસને લઈને વિશેષ બેઠક કરવાનો આયોજન કરાઈ રહ્યું છે. આ પ્રકારની બનતી ઘટનામાં કડકમાં કડક પગલાં લેવામાં આવે તેને લઇ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. સુરત પોલીસ કમિશનરના કોન્ફરન્સ રૂમમાં આ મિટિંગ કરવા માટેનું આયોજન કરાયું છે.

પિનાકીન પરમાર (ડીસીપી-સુરત પોલીસ )એ જણાવ્યું હતું કે, એક કારીગરે ભૂલ કરતા માલ ખરાબ થયો હતો. જેને લઈને માલિકે રૂપિયા આપી નોકરી પરથી કાઢી મૂક્યો હતો. આજે સવારે કારખાના પર આવી હુમલો કર્યો હતો. જેમાં કલ્પેશ ધોળકિયા, તેના પિતા ધનજીભાઈ ધોળકિયા અને મામા ઘનશ્યામભાઈ રઝોડિયાનું મોત થયું છે. મૃતદેહ કિરણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સુરત પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા ટીમો કાર્યરત કરી હતી.સુરતમાં એક્સાથે ત્રણ-ત્રણ લોકોને મોતને ઘાટ ઉતારાયા હતા. હત્યારાઓ હત્યાને અંજામ આપીને જોતજોતામાં જ ફરાર થઈ ગયા હતા. ત્યારે પરિવારજનોએ હત્યારાને ઝડપી પાડવા માગ કરી હતી. એટલું જ નહીં, જ્યાં સુધી હત્યારા ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની પરિવારજનોએ ચીમકી પણ આપી હતી.વેદાંત ટેક્સોના માલિક કલ્પેશ ધોળકિયા દ્વારા આજે તેમના જે કારીગરો છે તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. જેને લઈને છુટ્ટાહાથની મારામારી સર્જાઈ હતી. જેમાં કલ્પેશ પર કારીગરોએ જ હુમલો કરી દીધો હતો. જેમાં કલ્પેશને બચાવવા તેના પિતા ધનજીભાઈ અને મામા ઘનશ્યામભાઈ આવ્યા હતા. તેમને પણ ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. કલ્પેશ સહિત ત્રણેયની હત્યા કરી કારીગરો ફરાર થઈ ગયા હતા.

ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા અને કુમાર કાનાણી સહિતના નેતાઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. બીજી તરફ આ ઘટનાને લઈને સુરત ક્રાઈમ બ્રાંચ સહિતની પોલીસની અલગ અલગ ટીમો દોડતી થઇ ગઈ હતી. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. કારીગરને નોકરી પરથી છૂટો કરી દેતા કારખાને આવી ઝઘડો કર્યા બાદ હત્યા કરી હતી. ત્રિપલ મર્ડરની ઘટના બાદ શહેરમાં ચકચાર મચી જવા પામી છે. મોટા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ હોસ્પિટલ ખાતે એકઠા થઇ રહ્યા છે. આરોપીઓને પકડી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. કારખાનાના માલિક કલ્પેશ ધોળકિયા, ધનજીભાઈ, ઘનશ્યામભાઈના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. હોસ્પિટલ ખાતે લોકોની એક જ માંગ હતી કે આરોપીઓને પકડી કડક કાર્યવાહી કરવામાં આવે. ધારાસભ્ય વિનુ મોરડિયાએ જણાવ્યું હતું કે, સામાન્ય બાબતમાં હત્યા કરવામાં આવી છે. આ ઘટના બની છે તેના આરોપીઓ છે તેની તાત્કાલિક ધરપકડ થાય.