સુરતમાં સોનાની દાણચોરી કેસમાં પીએસઆઇને સસ્પેન્ડ કરાયા

સુરત, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તાજેતરમાં આશરે રૂ. ૨૫ કરોડની કિંમતનું સોનું ઝડપાયું હતું. સોનાની દાણચોરીમાં એરપોર્ટના સીસીટીવી ફૂટેજ તપાસતાં સુરત એરપોર્ટ પર ઈમિગ્રેશન ઓફિસમાં કામ કરતા પીએસઆઇ પરાગ દવેની શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી. જે બાદ ડીઆરઆઇએ પીએસઆઇ પરાગ દવેની ધરપકડ કરી હતી. હવે આ કેસમાં પીએસઆઇ પરાગ દવેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

એરપોર્ટ પર લાવવામાં આવેલું સોનું આરોપી કોને આપવાનો હતો તે પીએસઆઇ પરાગ દવે જ જાણતા હતા. આ ઉપરાંત આગળની આખી ચેનલ સાથે તે સંપર્કમાં હતા. તેમણે સીમકાર્ડ પણ તોડી નાખ્યું હોવાનો ખુલાસો થયો છે. આ કેસમાં હવે આવકવેરા વિભાગે પણ કાર્યવાહી શરૂ કરી છે અને ૪ સ્થળે દરોડા પાડ્યા છે. તો બીજી તરફ આ સોનું ભરૂચના એજન્ટ દ્વારા મંગાવવામાં આવ્યું હોવાની પણ વાત બહાર આવી છે.