સુરત: સુરતના અમરોલી-કોસાડ આવાસમાં શાકભાજી અને ફ્રૂટના ધંધાના ઝઘડાની અદાવતમાં ચાર પિતા-પુત્રએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. બાજુની બિલ્ડીંગમાં રહેતા ત્રણ પિતા-પુત્ર ઉપર હુમલો કર્યો હતો. જેથી 45 વર્ષીય પિતાનું ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે અમરોલી પોલીસે હત્યારાની શોઘખોળ આદરી છે.
અમરોલી-કોસાડ આવાસમાં રહેતા શની અતુલ સોલંકી રાબેતા મુજબ 6 વાગ્યે પત્ની સુમન સાથે શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરવા ટેમ્પો લઈ મોટા વરાછાના રામચોક ખાતે ગયાં હતાં. રહેણાંક આવાસની બાજુમાં અલ્પેશ ભુપત ઓગણીયા અને તેના પિતા ભુપત ગગજી ઓગણીયા પણ શાકભાજીનો ધંધો કરે છે. આ પિતા પુત્રએ શની અને તેની પત્ની સુમનને ધંધો કરવા આવવાની ના પાડવાની સાથે આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાથે જ ઝઘડો પણ કર્યો હતો.
ઝઘડો થયા બાદ પતિ-પત્ની ત્યાંથી ટેમ્પો લઈ અન્ય ઠેકાણે ધંધો કરી રાતે ઘરે ગયાં હતાં. રાતે સાડા દસ વાગ્યાના અરસામાં શની તેના પિતા અતુલ, માતા ગીતાબેન, નાનો ભાઈ મહેશ અને તેની પત્ની આરતી જમવા બેઠા હતાં. શનીની પત્ની સુમનબેન ઘરનો દરવાજો બંધ કરી રહી હતી. આ દરમિયાન અલ્પેશ તેના પિતા ભુપત અને નાનાભાઈ અનિલ તથા દડુ તલવાર અને ચપ્પુ સાથે આવતા જોઈ ચોંકી ગઈ હતી. તરંત ઘરના સભ્યોને જાણ કરી હતી. તમામે ઘરની અંદર જ આવી જઈને હુમલો કર્યો હતો. જેમાં પિતાને પેટના ભાગે તિક્ષ્ણ હથિયાર વાગતાં આંતરડું બહાર આવી ગયું હતું. જેથી તેનું મોત નીપજ્યું હતું.
જ્યારે એક ભાઈને પેટમાં અને બીજાને કાન પાસે હથિયાર વાગતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. હત્યારો અલ્પેશ છે તે આગાઉ પણ જેલની હવા ખાઈ ચૂક્યો છે અને અલ્પેશ વિરુદ્ધ અલગ અલગ ગુજરાતના પોલીસ સ્ટેશનમાં ચોરીના 6 જેટલા ગુના નોંધાઇ ચુક્યા છે. આણંદમાં પણ ચોરીની ઘટનામાં અમરોલી પોલીસે જ અલ્પેશની ધરપકડ કરી આણંદ પોલીસને સોંપ્યો હતો. જેમાં તે થોડા સમય પહેલા જ જેલ માંથી બહાર આવ્યો હતો. બાજુમાં જ રહેતા સની તેમજ તેમના પિતા અતુલ અને તેમના ભાઈ પર હુમલો કર્યો હતો. જોકે હુમલો કર્યા બાદ અલ્પેશ, તેના પિતા અને તેનો ભાઈ વતન સાવરકુંડલા નાસી છૂટ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસે એક પીએસઆઇ સાથે ટીમ સાવરકુંડલા રવાના કરી હતી. ત્યાં ચારેય આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. હાલ ચારેય આરોપીનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.