સુરતમાં સરકારી બાબુઓને ચૂંટણીનું કામ નથી કરવું,૩૧૪૩ કર્મચારીઓએ અરજી કરી

સુરત,સુરત લોક્સભાની ચૂંટણી માટે સુરત જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા શાળામાં આવેલા વિવિધ વિભાગોના અધિકારી કર્મચારીઓ માંથી ૩૧૪૩ અધિકારી કર્મચારીઓએ ચૂંટણી કામગીરીમાંથી મુક્તિ મેળવવા માટે અરજી કરી છે. જેમાંથી ૧૬૯૨ અરજીઓ માન્ય રાખવામાં આવી છે. જ્યારે કે, ૯૩૦ અરજીઓ નામંજુર કરી દેવામાં આવી છે. પરંતુ મોટી વાત તો એ છે કે મતદાન મથકનો સૌથી મહત્વનો અધિકારી પ્રિસાઇડિંગ ઓફિસર કહેવાય છે અને આ જવાબદારી જે અધિકારી કર્મચારીને આપવામાં આવી છે, તેમાંથી ૫૨૧ અધિકારીએ આ જવાબદારી ન સ્વીકારવા અરજી કરી છે અને ચૂંટણીના અન્ય કોઈપણ કાર્ય કરવા અરજી કરી જણાવવામાં આવ્યું છે.

સુરત જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી પ્રાપ્ત વિગતો મુજબ આવનાર ૭ મેના રોજ સુરત લોક્સભાની ચૂંટણી માટે વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ મળીને ૨૭,૩૩૬ ઓર્ડર ઈશ્યુ કરવામાં આવ્યા છે. જે પૈકી એઆરઓ સમક્ષ ૩૧૪૩ અધિકારી-કર્મચારીઓએ ચૂંટણીની કામગીરીમાંથી મુક્તિ મેળવવા અરજી કરી છે. આવેલી કુલ અરજીઓ પૈકી ૯૩૦ અરજીઓ એઆરઓ દ્વારા નામંજુર કરી દેવામાં આવી છે. તથા ૧૬૯૨ અરજીઓ માન્ય રાખવામાં આવી છે.

આ પ્રકારના કારણોને મહત્વ આપી અરજી કરનાર મોટાભાગના અરજદારોને કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવી છે. ચૂંટણી ફરજમાં ડ્યુટી ન કરવા માટે કરાયેલ અરજીમાં સૌથી મહત્વની બાબતએ જાણવા મળી હતી કે ૩૧૪૩ કર્મચારીઓની મળેલી રજૂઆતમાંથી ૫૨૧ કર્મચારીઓ એવા હતા કે જેમને ખાસ કિસ્સામાં પ્રિસાઇડીંગ ઓફિસરનો ઓર્ડર થયો હતો. તે ઓર્ડર રદ કરીને પોલીગ સ્ટાફમાં કે અન્ય કોઈપણ કામમાં મુકવા માટે અરજી કરાઇ હતી. પરંતુ ચૂંટણી ફરજ દરમિયાન પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે કામ કરવા તેઓ માંગતા નથી. ત્યારે આ પ્રકારની અરજીને લઈને જિલ્લા કલેકટર દ્વારા જે જે કર્મચારીઓની અરજીઓ યોગ્ય લાગશે તેઓની માન્ય કરશે.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર સી પટેલે પ્રિસાઇડિંગની કામગીરીને લઈ જણાવ્યું હતું કે કોઈપણ મતદાન મથકનો મુખ્ય અધિકારી એટલે પ્રિસાઇડિંગ ઓફિસર કહેવાય છે. મતદાન મથકની તમામ જવાબદારી પ્રિસાઇડિંગ ઓફિસરની હોય છે. જેમાં મતદાન સામગ્રી ડિસ્પેચિંગ સેન્ટર પરથી લઈ મતદાન મથક સુધી ગોઠવવાની તમામ વ્યવસ્થા, તમામ ફોર્મસ ભરવાની વ્યવસ્થા, તમામ જગ્યાએ સિગ્નેચર અને રિપોર્ટ કરવાની પ્રાથમિક જવાબદારી જે તે મતદાન મથકના પ્રિસાઇડિંગ ઓફિસરની જ રહે છે. ઈલેક્શન ડ્યુટીમાં સૌથી મહત્વની ભૂમિકા જો કોઈની હોય તો તે માત્ર પ્રિસાઇડિંગ ઓફિસરની જ હોય છે. ત્યારે ફાળવવામાં આવેલ કર્મચારી કે અધિકારીને ચૂંટણીની આટલી મહત્વની જવાબદારી યોગ્ય રીતે સંભાળી ન શકે તેવું લાગનાર ને અન્ય જગ્યાએ ફરજ બજાવા અરજી કરી છે. ઉપરાંત આ માટે ભૂતકાળમાં કર્મચારી પાસે અનુભવ હોવો જરૂરી છે. ત્યારે જે કર્મચારી અધિકારીને પ્રથમ વખત આ જવાબદારી પ્રથમ વખત આપવામાં આવી છે અને ગુજરાતી ભાષા જાણતા નથી તેવા અધિકારી કર્મચારી રીસાઇડિંગ ઓફિસર ન બનવા સ્વૈચ્છિક અરજી કરી રહ્યાં છે અને તેમની અરજીને માન્ય પણ રાખવામાં આવી રહી છે.