સુરત : સુરતમાં રીક્ષામાં પેસેન્જરોને બેસાડી આગળ પાછળ કરી પૈસાની ચોરી કરતી ભાઈ બહેનની જોડી ઝડપાઈ છે. ખટોદરા પોલીસે ભાઈ બહેનની ધરપકડ કરી એક રીક્ષા સહીત ૧.૪૦ લાખનો મુદામાલ કબજે કર્યો છે તેમજ એક ગુનાનો ભેદ પણ ઉકેલી કાઢ્યો છે. જેમાં મળતી માહિતી મુજબ સુરતમાં ખટોદરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન માહિતી મળી હતી કે એક રીક્ષામાં એક યુવક અને યુવતી સવાર છે તે રીક્ષામાં પેસેન્જરોને રીક્ષામાં આગળ પાછળ કરી પૈસા ચોરી કરતી ગેંગ છે.
તેઓ રીક્ષા લઈને ઉધના રાયકા સર્કલ તરફથી કોમલ સર્કલ તરફ આવનાર છે. માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી લીંબાયત મદીના મસ્જીદ પાસે રહેતા શાબીર ઉર્ફે શાહરૂખ સમસુદિન શેખ (ઉ.૨૩) અને તેની બહેન શાબેરાબી સમસુદિન શેખ (ઉ.૨૧ૃ) ને ઝડપી પાડી હતી. પોલીસે તેઓની પાસેથી પેસેન્જરને રીક્ષામાં બેસાડી ચોરી કરેલા રોકડા રૂપિયા ઉપરાંત એક રીક્ષા મળી કુલ ૧.૪૦ લાખની મત્તા કબજે કરી હતી.
ભાઈ બહેનની આ જોડીએ સહ આરોપી જાવીદ ઉર્ફે મિથુન સાથે મળી રીક્ષામાં પેસેન્જરને બેસાડી રોકડા રૂપિયા ચોરી કરી લીધા હતા. આ ઘટનામાં પોલીસે જાવીદ ઉર્ફે મિથુનને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ ભાઈ બહેન ઝડપાઈ જતા ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો હતો.