સુરતમાં પત્નીને ફરવા લઇ જઇને પતિએ હત્યા કરાવી, ધડ-માથું અલગ કરીને લાશ ફેંકી

સુરત: ચારિત્ર્ય પર શંકા રાખી પોતાના કહેવાતા ભત્રીજા અને તેના સાગરીત સાથે મળી વર્ષ 2004માં પત્નીની કરપીણ હત્યા કરવામાં કેસમાં ફરાર આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે 20 વર્ષ બાદ ઉત્તરપ્રદેશ ખાતેથી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વર્ષ 2004માં આરોપી વિજય બહાદુર ઉર્ફે પપુ રામકુમાર ચૌહાણ પોતાના દૂરના મામા રામ સજીવન ચૌહાણ અને તેની પત્ની રામવતી ચૌહાણ સાથે પુણાગામ સ્થિત વલ્લભનગર ખાતે રહેતો હતો. વિજયના મામા રામ સજીવન ચૌહાણ પોતાની પત્ની રામવતીના ચારિત્ર્ય પર અવારનવાર શંકા કરતો હતો. જેથી બંને એ પોતાના અન્ય સાગરીત સાથે મળી રામવતીની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન મુજબ રામસજીવન ફરવા લઈ જવાના બહાને પત્ની રામવતીને વર્ષ 2004માં 12મી સપ્ટેમ્બરના રોજ રાત્રીના આઠ વાગ્યાના અરસામાં પુણાગામ સ્થિત નહેર નજીક એક ખેતરમાં લઈ ગયો હતો.

જ્યાં પહેલાંથી વિજય બહાદૂર અને તેનો સાગરીત રત્નાકર લોકનાથ પ્રધાન હાજર હતા.જ્યાં પત્ની રામવતીના હાથ-પગ પકડી રત્નાકરે ચાકું વડે ગળું ચીરી નાંખી ધડથી માથું અલગ કરી પુણા નહેરમાં નાંખી દીધું હતું. જ્યાં લાશની ઓળખ ન થાય તે માટે આરોપીઓ દ્વારા ધડને પણ અન્ય સ્થળે ફેંકી ફરાર થઇ ગયા હતા. જે ઘટનામાં અગાઉ આરોપીઓની કાપોદ્રા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે  વિજય બહાદુર પોલીસથી બચવા છેલ્લા 20 વર્ષથી નાસતો ફરતો  હતો.

આ ગંભીર ગુનાનો આરોપી વિજય બહાદુર નામનો શખ્સ અયોધ્યાના બદનપુર ખાતે છુપાયો હોવાની માહિતી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળતા એક ટીમ રવાના કરવામાં આવી હતી.જ્યાં આરોપીને ઉતરપ્રદેશના અયોધ્યા ખાતે આવેલ બદનપુર જિલ્લામાંથી ઝડપી પાડી આગળની કાર્યવાહી સુરત ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે.