સુરત,
ગુજરાતમાં ૧ અને ૫ ડિસેમ્બરે યોજાનાર ચૂંટણી માટે માહોલ જોરદાર ગરમાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે એઆઇએમઆઇએ પણ આ વખતે મેદાનમાં છે. સુરતમાં પોતાના પક્ષના ઉમેદવાર માટે પ્રચાર કરવા આવેલા એઆઇએમઆઇએ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીને રુદરપુરા ખાડી વિસ્તારમાં જનસભાને સંબોધિત કરતી વખતે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ઓવૈસીના સંબોધન દરમિયાન મુસ્લિમ યુવાનોએ કાળા વાવટા ફરકાવી તેમનો વિરોધ કર્યો હતો.
મળતી માહિતી મુજબ અસદુદ્દીન ઓવૈસી રવિવારે રાતે સુરતની પૂર્વ વિધાનસભા બેઠક પરના એઆઈએમઆઈએમ ઉમેદવાર વસીલ કુરેશીના પ્રચાર માટે સુરતમાં આવ્યા હતા. જ્યાં ભાષણ દરમિયાન અમુક મુસ્લિમ યુવાનોએ કાળા વાવટા ફરકાવીને નારા લગાવ્યા હતા. યુવાનોએ વાપસ જાઓ, વાપસ જાઓ, તેમજ મોદી-મોદી, મોદી ઝીંદાબાદના નારા પણ લગાવ્યા હતા. જો કે સમર્થકોએ બાદમાં આ યુવકોને દૂર હટાવી દીધા હતા પરંતુ થોડો સમય વાતાવરણ ગરમાયુ હતુ.
આ અગાઉ ૧૨ નવેમ્બર શનિવારના રોજ એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અમદાવાદના દાણીલીમડા વિધાનસભા ક્ષેત્રમાં તેમના પક્ષના ઉમેદવાર કૌશિક પરમારના પ્રચાર માટે એક સભાને સંબોધવા માટે જવાના હતા પરંતુ બાદમાં તેમની સભા રદ કરવામાં આવી હતી. જેના માટે એઆઈએમઆઈએમના ગુજરાત પ્રદેશ અયક્ષ સાબિર કાબલીવાલાએ જણાવ્યુ હતુ કે, ’તેઓ કમરના દુ:ખાવાના કારણે આવી શક્યા નહોતા. પરંતુ બાદલમાં દાણીલીમડા જરુર આવશે.’ જો કે, બીજા જ દિવસે તેઓ સુરતમાં પ્રચાર કરતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે એઆઈએમઆઈએમ દ્વારા જાહેર કરાયેલ ૩ બેઠકમાં અમદાવાદની બે – જમાલપુર-ખાડિયા અને દાણીલીમડા અને સુરત પૂર્વની એક બેઠકનો સમાવેશ થાય છે.