સુરત, શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઓનલાઈન યંત્રના નામે ચાલતા જુગારધામનો પર્દાફાશ થયો છે. પોલીસ દ્વારા જુગારધામ પર દરોડા પાડીને એક લાખ કરતાં વધુની રોકડ રકમ સાથે ૧૪ જુગારીને ઝડપી પાડવામાં આવ્યા છે. ઓનલાઈન સોફ્ટવેર ની મદદથી યંત્ર વિજેતાને એકના બદલામાં નવ ગણી રકમ ચૂકવીને આ જુગાર રમાડવામાં આવતો હતો.જણાવી દઈએ કે પોલીસે મોબાઈલ, ટીવી, રીમોટ, કીબોડ, માઉસ, મીની કીબોડ, બારકોડ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
આ બનાવની વિગતો જોઈએ તો,સુરતની કાપોદ્રા પોલીસને અલગ અલગ યંત્રની આડમાં ચાલતા જુગાર ધામનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મળી છે. કાપોદ્રા પોલીસે બાતમીના આધારે ગાયત્રી સોસાયટીમાં આવેલ બિલ્ડીંગ નંબર ૧૧૪માં ચાલતી એક દુકાનમાં દરોડા પાડ્યા હતા અને તે સમયે દુકાનમાં ઓનલાઇન સોફ્ટવેર ની મદદથી યંત્ર વિજેતાઓને એકના બદલામાં નવ ગણા રૂપિયા આપવાનો જુગાર ચાલતો હતો.
કાપોદ્રા પોલીસ દ્વારા આ જુગારધામ પર દરોડો કરીને ૧૪ જુગારીની ધરપકડ કરવામાં આવી છે. અમિત ભટ્ટ કે જે ઓનેસ્ટ ટુ ઓનલાઇન માર્કેટિંગ એજન્સીના નામથી જુગારધામ ચલાવતા ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી કુલદીપસિંહ ગોહિલ તેમજ ઓનેસ્ટ ઓનલાઈન માર્કેટિંગ એજન્સીના માધ્યમથી આ જુગારધામ ચલાવનાર અમિત ભટ્ટ ભાડાની દુકાનમાં ઓપરેટરો રાખીને પોતાના આર્થિક લાભ માટે આર્થિક યંત્રના નામે દર પાંચ મિનિટે ઓનલાઈન સોફ્ટવેરથી વિજેતા વ્યક્તિને એકના બદલામાં નવ ગણી રકમ ચૂકવીને જુગાર રમાડતા હતા.
આ ઉપરાંત વિજેતા સિવાયના ગ્રાહકો પાસેથી તેઓ રોકડ રકમ મેળવીને લક પર જુગારનો અખાડો ચલાવતા હતા. પોલીસ આ જગ્યા પર દરોડા પાડીને ૧,૦૪,૮૦૯ રૂપિયા રોકડા ૧૫ મોબાઇલ, ટીવી, રીમોટ, કીબોર્ડ, માઉસ, મીની સીપીયુ, બારકોડ સ્કેનર, લાઈટ પ્રિન્ટર, રાઉટર તેમજ અલગ અલગ યંત્રના બારકોડ તેમજ ચિઠ્ઠીઓ સહિત કુલ ૨,૨૬,૬૫૭ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો છે.
મહત્વની વાત કહી શકાય કે, હવે ટેકનોલોજીના સમયમાં જુગાર રમવાની રીત પણ બદલાય છે હવે તીન પત્તીનો કે પત્તાનો જુગાર નહીં પરંતુ ઓનલાઇન અલગ અલગ ગેમના માધ્યમથી કે પછી આ પ્રકારના યંત્રોના માધ્યમથી જુગાર રમાડવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ અગાઉ પણ કાપોદ્રા પોલીસે એક દુકાનમાં દરોડા પાડી આ જ પ્રકારે યંત્રના માધ્યમથી જુગાર રમાડતા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.