
ગુજરાત પાસે વિસ્મય શાહ બીએમડબલ્યુ કેસ અને અમદાવાદનો તથ્યકાંડ હોય, આ બધા અકસ્માતની એક જ પેટર્ન છે. તો હાલમાં જ મહારાષ્ટ્રમાં એક કારચાલકે એક મહિલાને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારી હતી. ત્યારે આજે રાજકોટ અને સુરતમાં પણ ફરીવાર એવું બન્યું છે. સુરતમાં દારૂ પીધેલા જમીન દલાલ ઔડી કાર ચાલકે ૮ બાઈકને ઉડાવી હતી. જેમાં ૫ લોકોને ઈજા પહોંચી છે. તો સુરતમાં બેફામ દોડતી કારે એક વૃદ્ધાનો જીવ લીધો છે.
સુરતનાં વેસુ કેનલ રોડ પર દારૂ પીધેલા ઓડી કાર ચાલકે ૮ બાઈકને ઉડાવી દીધા છે. નશામાં ધૂત કારચાલક રિંકેશ ભાટિયાને લોકોએ પકડી પોલિસને સોંપ્યો છે. બેફામ ગતિએ કાર દોડાવી ચાલક રિંકેશ ભાટિયાએ આઠ વાહન ચાલકોને અડફેટમાં લીધા હતા. કારની અડફેટે ઘવાયેલા ૫ લોકોને ૧૦૮ મારફત હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. અલથાણ પોલીસે આરોપી કારચાલક રીંકેશ ભાટીયાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
એક વર્ષ પહેલા અમદાવાદમાં બનેલી તથ્ય પટેલ વાળી હિટ એન્ડ રન જેવી ઘટના સુરતમાં પણ બની છે. વેસુ કેનાલ રોડ પર જીડી ગોયેક્ધા સ્કૂલ નજીક બેફામ ગતિએ દોડી આવેલી ઓડી કારે રોડની કિનારે ઉભેલી આઠથી દસ બાઈકને અડફેટે લઈ લીધી હતી. જેથી બાઈક સવાર અને આસપાસ ઉભા રહેલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે તે છતાંય નશામાં ધૂત ઓડી ચાલકે લોકોથી બચવા માટે ગાડી વધુ ગતિએ હંકારી હતી. પરંતુ ગાડીના ડાબા ટાયરમાં પંક્ચર પડી જતા ૧૫૦ મીટર આગળ જઈ ગાડી રોકાઈ ગઈ હતી. આ દરમિયાન એક્સિડેન્ટની ઘટનાને જોનારા લોકો ફોર વ્હીલરનો પીછો કરી ત્યાં પહોંચી ગયા હતા અને ડ્રાઈવરને કારમાંથી બહાર ખેંચી લીધો હતો.
ઘટનામાં ઘવાયેલા ત્રણ લોકોને સ્થાનિકોએ ૧૦૮ને બોલાવીને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા. ઘટના અંગે પોલીસને જાણ થતા થોડીવારમાં પીસીઆર વેન પણ પહોંચી ગઈ હતી અને કારચાલક રિકેશ ચંદનમલ ભાટિયાને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. કારચાલકની પોલીસે ધરપકડ કરી ત્યારે તે નશામાં ધૂત હતો. પોલીસે મોડી રાતે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.