સુરત, આપણે ત્યાં કોઈપણ સરકારી કામ પૈસા વગર ના થાય તેવી છાપ છે. સરકારી કર્મચારીઓ કે અધિકારીઓ લોકોનું કામ કરવા માટે લાંચ લેતા હોય એવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. કામ કરવા માટે લોકો પાસે લાંચ લેતા હોવાની સતત ફરિયાદોને લઈને ગુજરાત એસીબી એકમ દ્વારા આવા અધિકારીઓને લાંચ લેતા પકડી પાડવા માટેની કવાયત લાંબા સમયથી શરૂ કરવામાં આવી છે.ત્યારે સુરત એસીબી એકમે આવા જ એક અધિકારીઓને પકડી પાડવામાં સફળતા મેળવી છે. જણાવી દઈએ કે, સુરત એસીબી એકમ દ્વારા સુરતના ઈકો સેલ એટલે કે આથક ગુના નિવારણ શાખાના અધિકારી વતી મળતીયાને પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે.
બનાવની વિગતો જોઈએ તો, સુરતના એક વેપારી વિરુદ્ધ મુંબઈ ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. આ વિગતના આધારે સુરત ઈકો સેલ દ્વારા એસ.આઈ સાગર સંજય પ્રધાન આરોપીને પકડવા ગયા હતા. ત્યારે પોલીસે આરોપી સાથે તેના ભાગીદારની પણ ઝડપી પાડી તેમની ઓફિસમાંથી લેપટોપ ડીવીઆર કંપનીના દસ્તાવેજો અને ડાયમંડ પણ લઈ લીધા હતા અને ઈકોસેલની કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા. જોકે ગુનામાં સંડોવાયેલા વ્યક્તિને મુંબઈ પોલીસના હવાલે કરી દીધો હતો અને તેના ભાગીદારને છોડી મૂકવામાં આવ્યો હતો.
ઓફિસમાંથી લઈ ગયેલા તમામ મુદ્દા માલ પરત મેળવવા માટે ભાગીદારે અનેક વાર સાગર પ્રધાનને કહ્યું હતું. ત્યારે આ તમામ મુદ્દામાલ પાછો આપવા માટે સાગર પ્રધાને કરી હતી. જોકે રકઝકના અંતે પાંચ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. ફરિયાદીએ આ મામલે સુરતના એસીબી એકમમાં ફરિયાદ કરી હતી. જેના આધારે આજ રોજ ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને આ ટ્રેપમાં એએસઆઈ સાગર પ્રધાન વતી તેમનો વચેટીયો પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા સુરતના અલકાપુરી સર્કલ પાસે પકડાઈ ગયો હતો.
પોલીસે પકડેલા આરોપીની પૂછપરછ કરતા આ આરોપી અન્ય કોઈ નહિ પણ ઈકો સેલમાં ફરજ બજાવતા એએસઆઈ કે જે પોતાને પીએસઆઈ તરીકે ઓળખતો હતો તે સાગર પ્રધાનનો નાનો ભાઈ નીકળ્યો હતો. આ મામલે એસીબીએ કાયદેસરની કાર્યવાહી કરી છે. સાગર પ્રધાન હાલ પોલીસ પકડથી બહાર છે. એસીબીએ કાયદેસરની કાર્યવાહી કરી આ કર્મચારી વિરુદ્ધ પ્રમાણસર મિલક્તની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં એક વાત સામે આવી છે કે, હવે સરકારી અધિકારીઓ પૈસા લેવા માટે વચેટિયાને નહિ પણ પરિવારના સભ્યોને જ સાથે રાખે છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા આવો જ એક બનાવ બન્યો હતો. જેમાં લાલગઢ પોલીસ સ્ટેશનમાં એસીબીની ટ્રેપમાં લાંચ લેતા પકડાયેલી મહિલા પીએસઆઈએ લાંચના રૂપિયા લેવા માટે પોતાના પુત્રને મોકલ્યો હતો અને તેને પણ એસીબીએ ઝડપી પાડ્યો હતો.