સુરતમાં આઈટી વિભાગનું મોટું ઓપરેશન, દરોડામાં ૭૦૦ કરોડના બિનહિસાબી વ્યવહાર મળ્યા

સુરત,ગુજરાતમાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડાની કામગીરી ચાલુ છે. સુરતમાં આઇટી વિભાગે સુરાના અને કંસલ ગ્રુપ પર દરોડા પાડ્યા. દરોડા દરમ્યાન બે રિયલ એસ્ટેટ કંપનીમાંથી ૭૦૦ કરોડના દસ્તાવેજ ઉપરાંત નાણાંકીય વ્યવહારની મોટી માહિતી મળી. વિભાગના એક અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે શહેરના બે મોટા ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા. જેમાં આ કંપનીના માલિકોએ બિનહિસાબી વ્યવહાર છુપાવવા પોતાના કર્મચારીઓનો ઉપયોગ કર્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે કર્મચારીઓ દ્નારા છુપાવવાના ઇરાદે ટ્રાન્સફર કરાયેલા દસ્તાવેજો શોધી કાઢવામાં વિભાગને સફળતા મળી હતી.

સુરતમાં ૮ થી ૧૩ ડિસેમ્બર દરમ્યાન આઇટી વિભાગે ૬૦થી વધુ કર્મચારીની ટીમ સાથે સુરાના અને કંસલ ગ્રુપની કંપનીના આશરે ૨૫ જેટલા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બુધવારે રાત્રે આઈટી વિભાગ દ્વારા તપાસ કામગીરી પૂર્ણ થઈ હતી. આ તપાસમાં સુરાના ગ્રુપને ત્યાંથી ૫૦૦ કરોડ અને કંસલ ગ્રુપ પાસેથી ૨૦૦ કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા. ડીઆઈ દ્વારા રિયલ એસ્ટેટ ફર્મની ઇમારતોના વેચાણને લઈને તપાસ થઈ રહી હતી ત્યારે સમગ્ર વિગતો પ્રકાશમાં આવી. તપાસમાં સામે આવ્યું કે ટેક્સથી બચવા નાણાંકીય વ્યવહારોની એકાઉન્ટમાં નોંધણી કરાતી નહોતી. બંને પેઢીના પરિસરની શોધ દરમ્યાન જાણવા મળ્યું કે જૂથ દ્વારા અન્ય રિયલ એસ્ટેટ કંપની સાથે પણ વ્યવસાયિક સોદા કરવામાં આવ્યો હતો.

શહેરમાં આઈટી વિભાગને દરોડા દરમ્યાન ૧૨૦ કરોડપતિઓની યાદી મળી જેઓ બિનહિસાબી વ્યવહાર કરી રહ્યા છે. આ કથિત વ્યવહારોમાં ખેડૂત દલાલો પણ છે જેમણે કરોડોમાં જમીનના સોદા કર્યા છે. તેમજ દરોડા દરમ્યાન મળી આવેલ દસ્તાવેજમાં રોકડમાં વૈભવી ફલેટ ખરીદનારા અને જમીન વેચનારા ૧૨૦ જેટલા કરોડપતિઓના નામ સામે આવ્યા છે. વિભાગને હાથ લાગેલ આ દસ્તાવેજના કારણે આગામી સમયમાં બિલ્ડરગ્રુપના મોટા માથાઓ અને મોટા વેપારીઓના નામ પણ ખુલી શકે છે.

દરોડામાં સામેલ એક અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે પાંચ દિવસ સુધી સુરાના અને કંસલ ગ્રુપ પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમ્યાન એક કર્મચારીની પૂછપરછ કરતા શંકા ગઈ અને ફિલ્મી સ્ટાઈલે તેમનો પીછો કર્યો. સુરાના ગ્રુપે દસ્તાવેજ છુપાવવા પાંચ સ્થાન બદલ્યા હતા. પરંતુ સમગ્ર વિસ્તારના ૨૫૦ જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ કરતા અંતે કરોડોના બિનહિસાબી વ્યવહારોના દસ્તાવેજ મેળવવામાં સફળતા મળી. વિભાગ દ્વારા હવે રોકડના વ્યવહાર, જમીન-મિલક્તો, કન્સ્ટ્રકશનમાં કરવામાં આવેલ ખર્ચ તેમજ પ્રોજેક્ટમાં લોકોએ લીધેલ મિલક્ત જેવા તમામ દસ્તાવેજોની ચકાસણી થશે.