- ૨૦થી વધુ સ્થળો પર વહેલી સવારે ટીમો ત્રાટકી
અમદાવાદ,
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં જ સુરતમાં ઈંકમટેક્સ વિભાગ સક્રિય થઈ ગયો છે. વહેલી સવારે છ વાગ્યાથી આઈટીની ટીમો ત્રાટકી હતી અને હીરા ઉદ્યોગકારો અને બિલ્ડરોને ત્યાં આઈટી વિભાગ દ્વારા રેડની કામગીરી હાથ ધરી હતી અંદાજે ૨૦થી વધુ સ્થળો પર આઈટીની ટીમો દ્વારા રેડની કામગીરી કરી છે, જેમાં ૧૦૦થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત સહિત મુંબઈમાં પણ આ રેડનો રેલો પહોંચ્યો છે.
હીરા ઉદ્યોગકારોને ત્યાં રેડ પડી હોવાનું સામે આવી રહ્યું છે. ધાનેરા ડાયમંડ કંપની અને તેમની સાથે સંકળાયેલાને ત્યાં વહેલી સવારે છ વાગ્યાથી આઈટીની ટીમ દ્વારા રેડની કામગીરી હાથ ધરવામાં આવી છે. હીરા ઉદ્યોગમાં ઘણા સમય બાદ રેડ પડતાં ઉદ્યોગકારોમાં ફફડાટની લાગણી જોવા મળી રહી છે. ધાનેરા ગ્રુપના અરવિંદ અજબાની સહિતના ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.
હીરાની સાથે સાથે આઈટી વિભાગ દ્વારા બિલ્ડરલોબીને પણ વરુણીમાં લેવામાં આવી છે. રમેશ ચોગઠ નામના બિલ્ડરને ત્યાં પણ રેડની કામગીરી કરવામાં આવી છે, જેથી દિવાળી બાદ બિલ્ડિંગ વ્યવસાયમાં જોવા મળી રહેલી તેજીની સામે રેડથી ડરનો માહોલ પેદા થયો છે. આવકવેરા ખાતાનાં સૂત્રોએ જણાવ્યું છે કે સુરતના હીરા ઉદ્યોગમાં મોટું નામ ધરાવતા અને અરવિંદ ધાનેરા તરીકે ઓળખાતા ધાનેરા ગ્રુપને નિશાન બનાવવામાં આવ્યું છે અને તેમની સાથે સંકળાયેલા બે બિલ્ડરો નરેશ વીડિયો અને હિંમતભાઈને પણ ઝપેટમાં લેવામાં આવ્યા છે. ત્રણેયનાં રહેઠાણ ઉપરાંત ઓફિસો તથા બિલ્ડિંગ સાઈટોને પણ દરોડામાં આવરી લેવામાં આવી છે. ૪૦ જેટલાં સ્થળોએ દરોડા કાર્યવાહી ચાલી રહી છે અને મોટી રકમના બિનહિસાબી વ્યવહારો તથા કરચોરી પકડાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વહેલી સવારે છ વાગ્યાથી શરૂ થયેલી રેડની કામગીરીમાં સુરતની સાથે સાથે વડોદરા સહિતના અધિકારીઓ પણ જોડાયા છે. અંદાજે ૧૦૦થી વધુ અધિકારીઓની ટીમ દ્વારા રેડની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરત શહેરમાં વેસુથી લઈને હીરા ઉદ્યોગકારોનાં ઘર અને બિલ્ડરની ઓફિસથી લઈને ઘર સુધીનાં અલગ અલગ અંદાજે ૨૦થી ૨૨ કરતાં વધુ સ્થળો પર રેડની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આઈટી વિભાગ દ્વારા કરવામાં આવેલી રેડમાં દિવાળી બાદ બિલ્ડરલોબી દ્વારા બ્લેકમાં કરાયેલા ધંધા તથા હીરા ઉદ્યોગમાં હાલ મંદી હોવા છતાં દિવાળી પહેલાં દબાવી રાખવામાં આવેલા નફાને લઈને બેનામી સંપત્તિ મોટી માત્રામાં બહાર આવે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.મતદાનના બીજા જ દિવસે રેડ પડતાં લોકોમાં ગણગણાટ શરૂ થયો છે. લોકો કહી રહ્યા છે કે આ વખતે બિલ્ડરલોબી અને હીરા ઉદ્યોગકારો દ્વારા યોગ્ય રીતે સાથ ન આપ્યો હોવાથી તેમના પર રેડ પડી છે.
અગાઉ પણ બિલ્ડીંગ અને જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ પર વહેલી સવારથી આવકવેરા વિભાગની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ અને સુરતની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં સંગીની ગ્રુપ, અરિહંત ગ્રુપ, અશેષ દોષી, મહેન્દ્ર ચંપક ગ્રુપ ખાતે ઈક્ધમ ટેક્સ ડીડીઆઈ વિંગના દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. જેથી ટીમને કોરોનાકાળ બાદ થયેલા સોદાઓમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાથી મોટી રકમ હાથ લાગે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સુરત ડિરેકટોરેટ રેવન્યુ ઈન્ટેલિજન્સે મોટી કાર્યવાહી હાથ ધરી છે. વરાછા લંબેહનુમાન રોડ નો જવેલર્સ અને મહિધરપુરામાં વેપારી ત્યાં દરોડા પાડયા છે. જેમાં અંદાજે ૧૦ કરોડની કિમતનુ ૧૮ કિલો સોનુ કબ્જે કર્યુ છે.૪ લોકોને પૂછપરછમાં પણ લીધા છે.જ્વેલર્સ અને બુલિયન વેપારીના ત્યાં ડીઆરઆઇની રેડમાં ઝડપાયેલા જ્વેલર્સ અને બુલિયન વેપારીના ત્યાં ડીઆરઆઇની રેડમાં દાણાચોરીનુ સોનુ હોવાની શંકા છે કારણ કે કબ્જે કરેલ સોના પર કસ્ટમ ડ્યુટી અને જીએસટી ચુકવાણો નથી.