સુરતમાં હાર્પિક, ડેટોલ સહિતની બ્રાન્ડેડ કંપનીઓના લેબલ લગાવીને કરાતું નકલી માલનું વેચાણ

રાજ્યમાં અસલીના નામે લોકોને નકલી વસ્તુઓ પધરાવતા તત્વોની ભરમાર થઈ ગઈ છે, ત્યારે સુરતમાં વધુ એક નકલી વસ્તુઓ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. જ્યાં બ્રાન્ડેડ સાબુ અને લીક્વીડ સહિત ઘરમાં વપરાતા કેટલાક કેમિકલવાળી ચીજ વસ્તુઓ બનાવવામાં આવતી હતી.

નકલી વસ્તુઓ બનાવીને પેકિંગ પર હાર્પિક, ડેટોલ સહિતની બ્રાન્ડેડ કંપનીઓના લેબલ લગાવીને માર્કેટમાં વેચાણ કરવામાં આવતું હતું. ઓરિજનલ કંપનીના અધિકારીઓને શંકા જતા પોલીસમાં જાણ કરી હતી. પોલીસે ફેક્ટરીમાં ઓચિંતી રે઼ડ પાડીને બોગસ વસ્તુઓ બનાવવા માટે વપરાતા રો-મટિરીયલનો મોટો જથ્થો પકડ્યો હતો.

સરથાણા પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરમાં ચાલતી હતી ફેક્ટરી, જેમાં સરથાણા પોલીસે છાપો મારી નકલી ફેક્ટરી ઝડપી પાડી હતી. આ ઘટનામાં ફેક્ટરી પાસે ખોરાક અને ઔષધ નિયમનની મંજૂરી પણ ન હોવાનું સામે આવ્યું હતું.

જો કે આશ્ર્ચર્યની વાત તો એ છે કે સરથાણા પોલીસ સ્ટેશનની બાજુમાં થોડા જ અંતરે આ નકલી પ્રોડક્ટ્સ બનાવતી ફેક્ટરી ધમધમી રહી હોવા છતા પોલીસને જાણ થઇ ન હતી.