સુરતમાં ઠગ અલગ અલગ રીતે લોકો સાથે ઠગાઈ કરતાં હોય છે. ત્યારે ઉધના ત્રણ રસ્તા પાસે આવેલી વશી કોલોનીમાં પતરાની ઓફિસ બનાવી બેસતા ઠગે શ્રમજીવી લોકોને પ્રધાનમંત્રી આવાસમાં મકાન આપવાનાં સપનાં બતાવીને ૭૯ જણા પાસેથી ૧૨.૬૦ લાખની રકમ પડાવી લીધી હતી.
ઉધના પોલીસમાં થયેલી અરજીના આધારે પોલીસે ૬૨ વર્ષીય પંચાનંદ પ્રધાનની ફરિયાદ લીધી છે, જેના આધારે પોલીસે ઠગ ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરીયા બિસોઈની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. આરોપીએ ઉધના ત્રણ રસ્તા પાસે વશી કોલોનીમાં ઓફિસ ખોલી હતી. ખાસ કરીને ઓડિશાસીઓને ફસાવતો હતો. આ કેસમાં હજુ પણ ઘણા ફરિયાદીઓ સામે આવી શકે છે.
આરોપી ઉપેન્દ્રએ મકાન માટે શરૂઆતમાં ૧૦ હજાર બાદમાં ૪ હજારની ચોપડી બનાવવાનું અને મકાન મળી જાય ત્યારે ૬૦ હજાર ભરવાનું કહ્યું હતું. ફરિયાદી પંચાનંદે પોતાના નામે અને એક દીકરીના નામે મકાન લેવાનું નક્કી કરી તેને ૨૦ હજાર આપ્યા હતા. આવી જ રીતે અન્ય ૭૮ જણાને પણ પ્રધાનમંત્રી આવાસમાં મકાન આપવાનાં ચીટર ઉપેન્દ્ર બિસોઈએ સપનાં બતાવી લાખોની રકમ પડાવી લીધી હતી. ચીટરે વર્ષ ૨૦૧૩થી વર્ષ ૨૦૧૫ વચ્ચે ઠગાઈનો આ સમગ્ર ખેલ કર્યો હતો.