સુરત, સુરતમાં ફરી એકવાર એસીબીની સફળ ટ્રેપની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, સુરતમાં એક પીએસઆઇ રૂ.૫૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા છે. પ્રાથમિક વિગતો મુજબ પીએસઆઇએ છેતરપિંડીના કેસની તપાસમાં ફરિયાદી પાસે ૫૦,૦૦૦ની લાંચ માંગી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોઇ તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જેથી એસીબીની ટીમે સુરતના આ લાંચિયા પીએસઆઇને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો.
સુરતના માંગરોળના પાલોદ આઉટ પોસ્ટ પીએસઆઇ તરીકે ફરજ બજાવતા જે.કે.મૂળિયાની દિવાળી બગડી છે. વિગતો મુજબ છેતરપિંડીના એક કેસની તપાસમાં પીએસઆઇ જે.કે.મૂળિયાએ ફરિયાદીને હેરાન પરેશાન ન કરવા રૂ.૫૦,૦૦૦ની લાંચ માંગી હતી. આ તરફ ફરિયાદી એક જાગૃત નાગરિક તરીકે લાંચ આપવા માંગતા ન હોઇ તેમણે એસીબીને સમગ્ર મામલે જાણ કરી હતી. જે બાદમાં એસીબીની ટીમે પીએસઆઇ જે.કે.મૂળિયાને રૂ.૫૦,૦૦૦ની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. આ તરફ હવે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.