સુરત,
શહેરનાં સચિન વિસ્તારના પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના ગળે જાહેરમાં કટર ફેરવી દીધું છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત પ્રેમિકાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઉમરપાડાની ૨૨ વર્ષીય યુવતી પર પૂર્વ પ્રેમીએ જીવલેણ હુમલો કર્યો છે. સચિનના સુડા વિસ્તારમાં આ ઘટના બની છે. જોકે, આ ઘટના બાદ લોકોમાં રોષ છવાયો છે. લોકો ફરીથી ગ્રિષ્મા વેકરિયા કેસને યાદ કરી રહ્યા છે.
સુરતનાં એપ્રિલ પાર્કના એક કારખાનામાં યુવતી સિલાઈ મશીનનું કામ કરતી હતી. તાપી જિલ્લાના નિઝર ખાતે બોરડા ગામમાં આવેલા નિશાળ ફળિયામાં રહેતા રામસિંગ ગુલાબસિંગ પાડવી દ્વારા પૂર્વ પ્રેમિકા પર હુમલો કરાયો હતો. અગાઉ યુવતી અને આ યુવક વચ્ચે પ્રેમ સંબંધ હતો.
તેઓ વર્ષ ૨૦૧૯માં બંને સાથે કામ કરતા હતા. પ્રેમ સંબંધમાં નાની-નાની વાતે યુવક યુવતી જોડે ઝઘડો કરતો હતો અને બંને વચ્ચે શાબ્દિક બોલાચાલી થતી હતી. જેના કારણે યુવતીએ તેમના પ્રેમ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધો હતો. છતાં રામસિંગ પ્રેમ સંબંધ રાખવા માટે યુવતી પર દબાણ કરતો હતો.
યુવકે યુવતીને પોતાની સાથે આવવા માટે દબાણ કર્યું હતું પરંતુ યુવતીએ તેની વાત માનવાની ના પાડી દીધી હતી. જે વાતથી ગુસ્સે ભરાયેલો પ્રેમી રામસિંહે યુવતી પર હુમલો કરીને ગળા પર કટર જેવું હથિયાર ફેરવી દીઘું હતુ. આ દરમિયાન લોકનું ટોળું ત્યાં ભેગું થઇ ગયું હતુ.