સુરતમાં ધંધાની મુશ્કેલીઓ દુર કરવાના નામે તાંત્રિક ૫ લાખના દાગીના લઈને રફુચક્કર

સુરત,

શહેરના ડભોલીના બિલ્ડરને ધંધામાં પડતી મુશ્કેલી દૂર કરવા માટે વિધિ કરવાનું તરક્ત કરી મહિધરપુરા થોભા શેરીનો તાંત્રિક રૂપિયા પાંચ લાખના દાગીના લઈ રફુચક્કર થઈ ગયો હતો.સુરત સિંગણપોર વિસ્તારમાં રહેતા મૂળ અમદાવાદનાં વતની અને હાલ ડભોલી રોડ પર આવેલી કેન્સર હોસ્પિટલ પાસે પ્રમુખ રેસિડેન્સીમાં રહેતાં મનોજભાઈ પ્રભુભાઈ પટેલ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

વેપાર ધંધામાં મુશ્કેલી પડતી હોવાથી મિત્ર દ્વારા મળેલી જાણકારીનાં પગલે મનોજભાઈ પટેલે ચારેક મહિના અગાઉ તાંત્રિક વિધિ કરનારાં હર્ષદ કાંતિલાલ રાણા નો સંપર્ક કર્યો હતો. લક્ષ્મીનું બંધન કર્યું હોવાથી વિધિ કરવાથી બંધનમાંથી મુક્ત થઈ જવાશે કહી તાંત્રિકે પ્રથમ ચોખા રાખેલી લાલ પોટલી બનાવી આપી હતી અને તેને નાણાં અને દાગીના મૂકે તે જગ્યાએ રાખવા જણાવ્યું હતું. બાદ તાંત્રિક ઘરે પહોંચ્યો હતો અને નાણાં અને દાગીના રાખેલાં ખાનામાં રાખેલી પોટલી કાઢી પોટલીમાં રાખેલાં ચોખા મકાનના ધાબા પર ફેંકવા માટે બિલ્ડરને મોકલ્યા હતાં.

આ દરમિયાન તાંત્રિકે ખાનામાંથી સોનાની વીંટી, બ્રેસલેટ, રુદ્રાક્ષની લકી, સોનાની ચેઈન, મંગલસૂત્ર -૨ તેમજ ડોક્યુ મળી રૂ. ૫ લાખની કિંમતનાં આશરે ૧૫થી ૧૬ તોલાના દાગીના સેરવી લીધા હતાં. ત્યારબાદ, આ ખાનામાંથી ૧૦, ૨૦, ૫૦ તેમજ ૧૦૦ રુપિયાની નોટ મળી આવશે એટલે તો તમે બંધનમાંથી મુક્ત થઈ ગયા છો એમ સમજી લેજો કહી ચાલતી પકડી હતી.તાંત્રિક નાં કહેવા મુજબ ૨૧ દિવસ બાદ ખાના ખોલતા તેમાંથી ૫૦ અને ૧૦૦ની નોટના ૧-૧ બંડલ મળી આવ્યા હતાં. પરંતુ, ખાનામાંથી સોનાના દાગીના ગાયબ હતાં. જેથી, બિલ્ડરે તાંત્રિકનો સંપર્ક કરતાં વિધિમાં કોઈ ખામી રહી ગઈ હશે એમ જણાવ્યું હતું. ત્યારબાદ મામાદેવની વિધિના બહાને બોલાવી બિલ્ડરને નારિયેળ ફોડવાનું જણાવતા તેમાંથી પત્નીનું મંગલસૂત્ર મળી આવ્યું હતું.

આ જ રીતે તમામ દાગીના પરત મળી જશે એમ કહી તાંત્રિકે પોતાનો મોબાઈલ બંધ કરી દઈ સંપર્ક કાપી નાંખ્યો હતો. જેથી, શંકા જતાં મનોજભાઈ પટેલ દ્વારા ગતરોજ સિંગણપોર પોલીસ મથકમાં તાંત્રિક હર્ષદ રાણા વિરુદ્ધ વિશ્ર્વાસઘાત અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ સંદર્ભેની તપાસ પીએસઆઈ એસ.વી ચૌધરી કરી રહ્યાં છે. વધુમાં આ તાંત્રિક દ્વારા હાઇકોર્ટ માંથી આગોતરા જામીન મેળવી લેતા સિંગણપોર પોલીસ સ્ટેશન ખાતે હાજર થઇ જવાબ લખાવી જામીન મુક્ત થયા હતો.