સુરતમાં દારૂના કેસમાં આરોપીને પ્રોહિબિશન કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીને કોર્ટ નજીક પોલીસને ચકમો આપીને વાનમાંથી અચાનક રસ્તા પર ભાગી છૂટ્યો હતો. તેથી તેને પકડવા માટે પોલીસે પીછો કરી રહી હતી. જોકે આ દરમિયાન ટ્રાફિક મેનેજમેન્ટનું કામ કરતા ટીઆરબી જવાનની સતર્કતાને પગલે આરોપીને ઝડપી પાડ્યો હતો.ટીઆરબી જવાને ભાગતા આરોપીને પોતાનું હેલ્મેટ મારી ઝડપી પડ્યો હતો અને પોલીસ હવાલે આબરૂ બચાવી લીધી હતી.
સુરતના અઠવાલાઇન્સ ચોપાટી પાસે રવિન્દ્ર પાટીલ નામનો ટીઆરબીનો જવાન ફરજ બજાવતો હતો. તે સમયે અચાનક જ એક શખ્સ રસ્તા પર ભાગતો દેખાયો હતો. જેથી લોકોએ પકડો પકડોની બૂમાબૂમ કરતા ટીઆરબી જવાને પોતાની સતર્કતાથી આ શખ્સને પકડી પાડ્યો હતો. આ અંગે ટીઆરબી જવાન રવીન્દ્ર પાટીલે જણાવ્યું હતું કે, ટ્રાફિક મેનેજમેન્ટનું કામ કરી રહ્યો હતો, ત્યારે અચાનક એક યુવક ભાગતો ભાગતો આવી રહ્યો હતો અને કેટલાક લોકો બૂમ પાડી રહ્યા હતા. પકડો પકડો ચોર ચોર…જોકે તે યુવક ટ્રાફિક પોઇન્ટ જોઈ રસ્તાને ઓળંગી બીજી તરફ ભાગવા જઈ રહ્યા હતા. જેથી ટ્રાફિકનું કામ છોડી તે યુવકની તરફ ભાગ્યો હતો અને મે તેને મારું હેલ્મેટ માર્યું હતું અને પકડી પાડયો હતો. લોકો ભેગા થઈને મારે નહીં માટે યુવકે ક્યું હું ચોર નથી આરોપી છું, ત્યારબાદ પોલીસની મોબાઈલ વાન આવી અને આરોપીને લઈને જતી રહી હતી.
પોલીસથી જાપ્તામાંથી ભાગેલા આરોપીને ટીઆરબી જવાને પકડી પોલીસના હવાલે કર્યા બાદ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીનું નામ અવિનાશ ધકાતે છે. તે ગોડાદરા પોલીસ મથકનો પ્રોહીબીશનનો આરોપી છે. બે દિવસ પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગોડાદરામાં બે જગ્યાએ દરોડા પાડીને દારૂના વેપાર ઝડપી પાડ્યા બાદ આબરૂ સાચવવા ગોડાદરા પોલીસે ગત રોજ ૧,૮૬,૦૦૦ના દારૂના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડયો હતો. જેણે આજે પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે ટીઆરબી જવાને પકડી પડતા ફરી સ્થાનિક પોલીસની આબરૂ સચવાઈ ગઈ હતી.