સુરત,
શહેરમાં ફરી ખૂની ખેલ ખેલાયો છે. શહેરના ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અટલજીનગરમાં કારખાનામાં કામ કરતાં ઓડિશાવાસી યુવાનોની બે ગેંગ વચ્ચે થયેલી માથાકૂટનો લોહિયાળ પરિણામ આવ્યો છે. આજે વહેલી સવારે એક ગેંગના લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બે યુવકોના મોત નિપજ્યાં છે. આ મામલે પોલીસે પાંચ કરતાં વધુ લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. સુરતમાં છનો માલિયો અને દીનો ગેંગ વચ્ચે ગેંગવોર થયો છે. આ બન્ને ગેંગ વચ્ચે દારૂના ધંધાની હરિફાઇ મામલે ગેંગવોર થયું હોવાનું સામે આવી રહ્યું છે. બન્ને ગેંગના ચાર લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ગેંગવોરમાં બે લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે બે લોકોની હાલત નાજુક છે. નોંધનીય છે કે, આ બન્ને ગેંગના લોકો મૂળ ઓડિશાના હોવાનું જાણવા મળી રહ્યું છે.
સુરતમાં દિવસને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. આવામાં વધુ એક લોહિયાળ ઘટના સામે આવતાં ફરી એક વખત સુરત ક્રાઇમ હબ બની રહ્યું હોવાની ચર્ચા થઇ રહી છે. સુરત ગુજરાતની ઔદ્યોગિકનગરી સાથે સૌથી સુરક્ષિત શહેર માનવામાં આવતું હતું, પરંતુ સુરતમાં સતત હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે સવારે જાહેરમાં રમાયેલા ખૂની ખેલમાં બે યુવકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પંડોળ ખાતે અટલજીનગરમાં કાપડના કારખાનામાં કામ કરતા ઓડિશાવાસી યુવાનોના બે ગ્રુપ ચાલે છે. જેમાંથી એક ગ્રુપની અન્ય ગ્રુપ સાથે થયેલી માથાકૂટને લઈને આજે વહેલી સવારે બંને ગ્રુપ આમને સામને આવી ગયા હતા. સાત કરતા વધુ લોકોએ કેટલાક યુવાનો પર જીવલેણ ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો. જેમાં બે યુવકોને ગંભીરતા ઇજા પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ બંને યુવકોનું મોત થયું હતું.
મૃતક બંને યુવકો ઓડિશાના છે, ત્યારે સામે હુમલો કરનારાઓ પણ ઓડિશાના છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને હુમલો કરનારા સાતમાંથી પાંચ લોકોની અટકાયત કરી દીધી હતી. જોકે, ડબલ હત્યાનો ગુનો બનતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ચર્ચા સાથે ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે.