સુરતઃ બાંધકામ ઉદ્યોગમાં કન્સ્ટ્રકશન સાઇટ શ્રમિકોના જીવન માટે ડિસ્ટ્રકશન સાઇટ બની રહી છે. અમદાવાદમાં ત્રણ મજૂરો 13માં માળેથી પટકાઈને મોતને ભેટ્યાને માંડ બે દિવસ થયા છે ત્યાં સુરતમાં એક યુવા શ્રમિકનું બાંધકામની સાઇટ પર છઠ્ઠા માળેથી પટકાતા મોત થયું છે. હજી બે મહિના પહેલા તો તેની સગાઈ થઈ હતી.
મધ્યપ્રદેશના વતની વિનુભાઈ ડામોર હાલ સુરતમાં રહેછે. તેમનો 19 વર્ષીય પુત્ર અલ્કેશ તેમની સાથે બાંધકામ સાઇટ પર જ કામ કરે છે. તેઓ પિતાની સાથે રિવોના નામના બનતા બિલ્ડિંગમાં કામ કરતા હતા. અલ્કેશ છઠ્ઠા માળે સ્લેબ ભરવાના કામકાજમાં લોડિંગ લિફ્ટમાંથી વતા મટીરિયલને ખાલી કરાવવાનું કામ કરી રહ્યો હતો. લોડિંગ લિફ્ટમાંથી માલ ખાલી કરતી વખતે લાકડાનો ટેકો તૂટી જતા તે છઠ્ઠા માળેથી નીચે પટકાયો હતો. તેમા અલ્કેશને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, ત્યાં તેનું મોત નીપજ્યું હતું. યુવકના નિધનથી સમગ્ર પરિવાર શોકગ્રસ્ત છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અલ્કેશની હજુ બે મહિના પહેલા જ સગાઈ થઈ હોવાની જાણકારી મળી હતી. યુવકના અકાળે મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. વિનુભાઈ ડામોરે જણાવ્યું હતું કે પુત્ર ત્રણ વર્ષથી જ સાથે કામે લાગ્યો હતો. બે મહિના પહેલા તેણે સગાઈ કરી હતી. આગામી માર્ચમાં તો તેના લગ્ન થવાના હતા.
હમણા માંડ બે દિવસ પહેલા આ જ રીતે લાકડાની પાલખ તૂટવાથી અમદાવાદના ઘુમા વિસ્તારમાં ઝવેરી ગ્રીન સાઇટ્સ પર કામ કરતાં ત્રણ મજૂરો 13માંથી માળેથી નીચે પટકાયા હતા અને ત્રણેયના મોત નીપજ્યા હતા. તેના થોડા સમય પહેલાં વડોદરામાં એકનું મોત થયું હતું.