
સુરત,
સુરત શહેરમાં ફરી એક વાર ત્યજી દેવાયેલુ બાળક મળ્યુ છે. કેબલ બ્રીજ નીચે બે માસનું બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળ્યું છે, સમગ્ર મામલે પોલીસે તપાસ શરુ કરી છે. રાહદારીની નજર બાળક પર પડતા પોલીસને જાણ કરી હતી. અડાજણ પોલીસના પીઆઇ અને ડીસીપી તાત્કાલિક ઘટના સ્થળે આવી બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યું છે. તો બીજી તરફ આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
થોડા દિવસ પહેલા સુરતના મગદલ્લામાં નવજાતને બિલ્ડીંગ પરથી ફેકી દેવાની ઘટના સમી નથી. ત્યાં વધુ એક બાળકને ત્યજી દેવાની ઘટના સુરત શહેરમાં સામે આવી છે. સુરતના અડાજણ અને પાર્લે પોઈન્ટને જોડતા કેબલ બ્રીજ પર એક બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું. અહીંથી રાહદારીઓ પસાર થતા લોકોની નજર ફૂલ જેવા માસુમ બાળક પર પડી હતી. લોકોએ તાત્કાલિક બનાવની જાણ પોલીસને કરી હતી.જેથી અડાજણ પોલીસના પીઆઇ અને અડાજણની ‘શી’ ટીમ સાથે પહોંચ્યા હતા અને ઉચ્ચ અધિકારીઓ કે ડીસીપી હર્ષદ મહેતા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યું છે. જ્યાં બાળકની સારવાર ચાલી રહી છે.
નવજાત બાળકને આ રીતે મૂકીને જતા રહેલા માતા પિતાને શોધવાનું શરૂ કરાયું છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી તપાસવાનું શરૂ કરાયું છે. જેના આધારે નવજાત બાળકને કોણ અને ક્યારે મૂકી ગયું છે તેની માહિતી મળી શકે.ઉલ્લેખનીય છે કે બે માસના ફૂલ જેવા માસુમ બાળકને ત્યજી દેવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. માસુમ બાળકને ત્યજી દેનારા સામે લોકોએ ફિટકાર વરસાવી હતી. આ સમગ્ર મામલે અડાજણ પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
હાલ કંટ્રોલરૂમમાં ફોન આવ્યા બાદ બાળકને સિવિલ હોસ્પિટલમાં સી ટીમ દ્વારા લઈ જવામાં આવ્યું છે. સી ટીમની સભ્ય મમતા મકવાણા નવજાત બાળકનું ધ્યાન રાખી રહી છે. બાળકની તબિયત તંદુરસ્ત છે હાલ તેને એન આઈ સી યુ માં ઓબ્ઝર્વેશન માં રાખવામાં આવ્યો છે. સી ટીમ હાલ બાળકને માતાની જેમ સાચવી રહ્યું છે. બાળકને દર બે કલાકે દૂધ આપવામાં આવી રહ્યું છે એક તરફ પોલીસ માતા પિતાને શોધવા માટેનો પ્રયાસ કરી રહી છે ત્યારે બીજી તરફ સી ટીમ બાળકને હાલ દેખરેખ રાખી તેના સ્વાસ્થ્યની કાળજી લઈ રહી છે.સાથે પોલીસ સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે.