સુરત, સુરતમાં બોગસ ડૉક્ટરના કારણે ૮ મહિનાની બાળકીનો જીવ ગયો છે. તબીબે બાળકીને ખોટી દવા અને ઈન્જેક્શન આપ્યું હતું. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમમાં ઝોલાછાપ ડોક્ટરે ઊંટવૈદુ કર્યું હોવાનો ખુલાસો થયો છે. પોલીસે બોગસ તબીબ શ્રીનિવાસ ઉર્ફે ડૉક્ટર સીનુ લક્ષ્મીનારાયણની ધરપકડ કરી છે.
સુરતના લિંબાયત શ્રીજી નગરમાં રહેતા મૂળ તેલંગાના પરિવારની આઠ માસની બાળકીને તાવ અને ખાંસીની તકલીફ હતી ત્યારે લિંબાયતના એક્તાનગરમાં સરકારી હેલ્થ સેન્ટરની પાછળ જ ઘરમાં જ ક્લિનિક ચલાવતા ડોક્ટરે ઇન્જેક્શન આપ્યું હતું. જોકે બાદમાં બાળકીને ડેન્ગ્યુને લીધે મોતને ભેટતા પોલીસે હાથ ધરેલી તપાસમાં ચોકાવનારો ખુલાસો થયો છે. બાળકીને ઇન્જેક્શન આપનાર ડોક્ટર બોગસ છે અને તે પોતાના ઘર ઉપરાંત માન દરવાજા આંબેડકર કોલોનીમાં કોઈપણ ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતો હતો.
મૂળ તેલંગાના વતની અને સુરતમાં લિંબાયત શ્રીજી નગરમાં રહેતા રાજકુમાર બલિયા ૮ માસની પુત્રી વેદાંશીને ગત ૨૦ નવેમ્બર ૨૦૨૩ ના રોજ સવારે તાવ અને ખાંસીની તકલીફ હતી. તેથી તેની માતા અંબિકા સારવાર માટે તેમના સમાજના અને લિંબાયત એક્તા નગરમાં ઘરમાં જ ક્લિનિક ચલાવતા શ્રીનિવાસ ઉર્ફે ડોક્ટર સીનું લક્ષ્મીનારાયણ ગુદ્દે પાસે લઈ ગઈ હતી. ડોક્ટરે વેદાંશીને થાપાના ભાગે ઇન્જેક્શન આપ્યું હતું, તેમજ દવા પણ આપી હતી. તેમ છતાં તેની તબિયતમાં સુધારો નહીં થતા તેનો રિપોર્ટ કરાવી ફરી બીજા દિવસે તેને બતાવી દવા લીધી હતી.
જોકે વેદાંશીની તબિયત બગાડતા તેને ૨૪મી એ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. લિબાયત પોલીસે તપાસ હાથ ધરી તે દરમિયાન જાણવા મળ્યું હતું કે શ્રીનિવાસ ઉફે ડોક્ટર સીનું પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતો હતો. આથી આરોગ્ય વિભાગે તેને ત્યાં તપાસ કરી ડિગ્રીની માંગણી કરી ત્યારે તે પોતે કોઈ ડીગ્રી ધરાવતો નથી અને માત્ર અનુભવના આધારે અલગ અલગ પેશન્ટને તપાસ કરી એલોપેથી દવા અને ઇન્જેક્શન આપતા હોવાની કબૂલાત કરી હતી.
આરોગ્ય વિભાગને તેના ઘરેથી કોઈપણ પ્રકારના સાધનો કે દવા મળ્યા નહોતા. તેના માન દરવાજા આંબેડકર કોલોની પ્લોટ નંબર ૯૨૯ માં તપાસ કરતા ત્યાંથી સાધનો અને દવા મળતા તેને કબજે કરવામાં આવ્યા હતા. બાદમાં બાળકીના મોતનું કારણ ડેન્ગ્યુ હોવાનું જાણવા મળ્યું હતું. પણ ડોક્ટર સીનું ઘરમાં અને માન દરવાજા આંબેડકર કોલેજમાં કોઈપણ ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતો હોવાને લઈ પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંયો હતો અને ત્યારબાદ તેની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.
સુરતમાં ઈન્જેક્શન બાદ બાળકીના મોતના આરોપમાં ઝડપાયેલા ડોક્ટરે પોતે કબૂલ્યું કે, કહ્યું, મારી પાસે ડોક્ટરની ડિગ્રી નથી. હું ૫ વર્ષથી દવા આપવાનુ કામ કરતો હતો. હું તો એલઆઇસી એજન્ટ છું. ૧૫ દિવસ પહેલા બાળકીની માતા મારી પાસે ઈન્જેક્શન લેવા આવ્યા હતા. અલગ અલગ જગ્યાએ દવા પણ કરાવી હતી. લોકો દવા લે છે પછી લોકો ઈન્જેક્શન લેવા માટે આવે છે. કયા કારણથી મોત થયુ એ મને પણ ખબર નથી.