Surat : સુરતમાં ચોમાસા બાદ રોગાચાળાએ (Disease) માજા મુકી છે. સુરત શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં (Mosquito borne Disease) વધારો નોંધાતો જઇ રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ જાણે ઉભરાઇ રહ્યા છે. કમળો, ગેસ્ટ્રો, મેલેરિયા, ઝાડા-ઉલટીના કેસમાં ધરખમ વધારો નોંધાતો જઇ રહ્યો છે. નાના બાળકોમાં કફ અને શરદીના કેસમાં પણ વધારો થતો જઇ રહ્યો છે. ત્યારે રોગચાળાએ વધુ 2 લોકોનો ભોગ લીધો છે. બીમારીમાં સપડાયેલા વધુ 2 વ્યક્તિના મોત થયા છે.
સુરતના ગોડાદરામાં ઝાડા-ઊલ્ટી થયા બાદ યુવકનું મોત નિપજ્યું છે. તો ઉધનામાં તાવથી એક યુવકનું મોત થયું છે. ગઇકાલે પણ બે વ્યક્તિના મોત થયા હતા. તાવમાં સપડાયેલા સુરતના મગદલ્લાના યુવકનું મોત નિપજ્યું હતુ, તો તેવી જ રીતે બે ત્રણ દિવસથી તાવ આવ્યા બાદ પાલની એક શ્રમજીવી મહિલાનું પણ મોત નિપજ્યું હતુ. સુરતમાં અત્યાર સુધી રોગચાળાએ 20 લોકોનો ભોગ લીધો છે. રોગચાળાથી મોતના કિસ્સા વધતા આરોગ્ય તંત્ર દોડતું થયુ છે.