સુરત, ભીમ અગિયારસે જુગાર રમવાની પરંપરા હોય અને ભીમ અગિયારસના રોજ જુગારીઓ શામાં જાણે જુગાર રમવાનું કહ્યું હોય તેમ જુગાર રમતા હોય છે. ત્યારે સુરત પોલીસ પણ સતર્ક બનીને આવા જુગારીઓને પકડી પાડવા વોચ ગોઠવીને બેઠી હતી. સુરત પોલીસે શહેરભરમાંથી ભીમ અગિયારસ જુગાર રમતા સંખ્યાબંધ જુગારીઓને પકડ્યા છે. તેમજ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના પોલીસ સ્ટેશનોમાં જુગારીઓને રાખવા જગ્યા ખૂટી પડે તેટલા જુગારી ઝડપી પાડવામાં આવ્યા હતા.
સુરતમાં ભીમ અગરિયારસનો જુગાર રમતાં ૧૯૭ લોકો પકડાયા છે. સુરત શહેર પોલીસ દ્વારા ૨૬ અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં ૧૦ મહિલાઓ સહિત ૧૯૭ લોકો ઝડપાયા છે. વરાછા પોલીસે ૧૨ કેસમાં ૧૦૫ જુગારીઓ ઝડપી પાડ્યા છે. સાથે જ વરાછા પોલીસે ૨.૭૧ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
બીજી તરફ કાપોદ્રા પોલીસે દરોડા પાડીને ૭ કેસમાં ૪૦ જુગારી ઝડપી પાડ્યા છે. તો કાપોદ્રા પોલીસે ૨.૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરતની સિંગણપોર પોલીસે ૨ કેસ કરી ૧૪ જુગારીઓને પકડ્યા છે. સરથાણા, પુણા, ક્તારગામ, ઉત્રાણ અને અમરોલી પોલીસે પણ જુગાર રમાતો હોવાનો ૧-૧ કેસ કર્યો છે. પોલીસે જુગાર રમતા લોકોને ઝડપી ૯.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી શરૂ કરી છે.
થોડા દિવસ પહેલા પણ સુરતમાં પાસોદ્રા વિસ્તારમાં પોલીસે દરોડા પાડીને જુગારધામ ઝડપી પાડ્યું હતુ. પોલીસે જ્યારે જુગારધામ પર દરોડા પાડ્યા ત્યારે પુરૂષ કરતા વધારે મહિલાઓ જુગાર રમતી ઝડપાઇ હતી. પોલીસે જુગાર રમતી ૬ મહિલા અને ૩ પુરૂષને પકડીને કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાસ્થળેથી ૧.૭૯ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. અવારનવાર પોલીસ દરોડા પાડીને કેટલાંક જુગારધામ ઝડપીને કાર્યવાહી કરે છે. તે બાદ પણ હાર-જીત પર લાખો રૂપિયાનો જુગાર રમાતો હોય છે. જુગારીઓને કોઇ પણ પ્રકારનો ભય રહ્યો જ નથી. હાલ તો પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.