સુરતમાં વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઉન પાટિયા ચાર રસ્તા પર સાઇકલ સવાર વૃદ્ધ રસ્તો ક્રોસ કરવા જતા પૂરપાટ ઝડપે આવતા ટ્રકચાલકે ટક્કર મારી કચડી નાખ્યા હતા. ટ્રકના ટાયર વૃદ્ધ પર ફરી વળતાં શરીરના ટુકડા થઈ ગયા હતા. આ હચમચાવતા અકસ્માતના CCTV પણ સામે આવ્યા છે. બીજો અકસ્માત ગતરાત્રિના હિંમતનગરના વાટડી નજીક સર્જાયો છે. જેમાં બે બાઈક સામસામે ટકરાતા 2 યુવકના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા અને એકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
વૃદ્ધ સાઇકલ લઈ ખમણ વેચવા ગયા હતા
મળતી માહિતી પ્રમાણે, સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી વૃંદાવન ટાઉનશિપ ખાતે 65 વર્ષીય પ્રભાકર પરિવાર સાથે રહે છે. વૃદ્ધ પ્રભાકર સાઇકલ પર ખમણ વેચીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. વૃદ્ધ રોજ સાઇકલ પર ખમણ વેચવા માટે આસપાસના વિસ્તારમાં જતા હતા. ગતરોજ (15 ઓક્ટોબર) સવારે વૃદ્ધ સાઇકલ લઈને ઉન પાટિયા નજીક ખમણ વેચવા માટે ગયા હતા.
ભેસ્તાનથી ઉન પાટિયા ચાર રસ્તા પર પહોંચ્યા હતા, જ્યાં સાઇકલ લઈને રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે પૂરઝડપે આવી રહેલી કાળરૂપી ટ્રકે તેમને અડફેટે લીધા હતા. ત્યારબાદ ટ્રકના આગળના ટાયર સહિત સાત જેટલાં ટાયર તેમના પરથી ફરી વળ્યાં હતા, જેથી વૃદ્ધના શરીરના ટુકડા થઈ ગયા હતા. 14 ટાયરવાળી ભારે ભરખમ ટ્રક વૃદ્ધ પરથી ફરી વળતા શરીરના અમુક ભાગો રોડ પર ચીપકી ગયા હતા.
અકસ્માતની આ ઘટનાને જોઈને આસપાસથી લોકો દોડી આવ્યા હતા. વૃદ્ધના શરીરના ટુકડાઓ જોઈને લોકોમાં પણ અરેરાટી ફેલાઈ ગઈ હતી. ત્યારબાદ વૃદ્ધના ટુકડાઓને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ તો આ સમગ્ર ઘટના અકસ્માતના હચમચાવતા CCTV કેદ થઈ જવા પામી છે. આ સાથે જ આ મામલે પોલીસ દ્વારા અકસ્માતનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.